રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આઠ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ઉમરગામ અને ધરમપુર સહિતના પંથકોમાં મેઘરાજાએ ભારે મહેર કર્યા બાદ આજે દક્ષિણ સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો હતો અને રાત્રે ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીમાં કોડીનાર-સુત્રાપાડામાં મેઘ તાંડવ સર્જાયું હતું. મેઘરાજા સાંબેલાધારે વરસતા સુત્રાપાડામાં માત્ર ૬ કલાકમાં ૯ ઇંચ વરસાદ અને કોડીનારમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સૂત્રાપાડા-કોડીનાર પંથકો જાણે બેટમાં ફેરવાયા હતા. સોમાત નદીમાં ઘોડાપૂર આવવાની સાથે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતના વલસાડ-ઉમરગામ સહિતના પંથકો અને અમેરલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના પંથકોમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર જારી રહી હતી. અમરેલીના આ પંથકોમાં ગણતરીના કલાકોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક દલી, ધાતર, કાસરિયા, માલણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો, સાથે સાથે પંથકોના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. રાજ્યમાં આજે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં નવ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસતા સ્થાનિક પ્રજાજનો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. અતિભારે અને તોફાની વરસાદના કારણે સૂત્રાપાડા અને કોડીનાર જાણે જળબંબાકારની સ્થિતિ વચ્ચે બેટમાં ફેરવાયા હતા. સાંબેલાધાર વરસાદના કારણે આ પંથકોના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા હતા, ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો જૂનાગઢ પંથકમાં ગીરનાર પર્વત, બોરડેલી જંગલ સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ગીરનાર પર્વતની સીડીઓ પરથી વરસાદી પાણી ઝરણાંની જેમ વહેતાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા.
ભારે વરસાદને લઇ સ્થાનિક ગુડાજલી નદીમાં નવા નીર આવતાં તે છલકાઇ હતી. દરમ્યાન અમરેલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના પંથકોમાં પણ સતત ત્રીજા દિવસે મેઘ મહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ રાજુલા, ખાંભા, હીંડોરણા અને જાફરાબાદના પંથકોમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો ભારે અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેને પગલે આ પંથકોની દલી, ધાતર, કાસરિયા, માલણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. બીજીબાજુ, વલસાડ, ઉમરગામ સહિતના પંથકોમાં પણ આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તેમની બેટીંગ જારી રાખી હતી. ઉમરગામ એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. રાજકોટ જિલ્લામાં પણ આજે વરસાદના છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા. દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. અમરેલીમાં ત્રણ કલાકના ગાળામાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ભારે વરસાદ થયો છે જેથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાંભાના રબારિકા ગામે ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી ઘુસી ગયા છે. ખાંભા પંથકમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જાફરાબાદમાં પાટી, માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીંબીમાં અનરાધાર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન સુરતમાં પણ મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ છે. બગોદરામાં પણ વરસાદ જારી હોવાના સમાચાર મળ્યા છે. ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારમાં જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઇ છે.