ગાંધીનગર જિલ્લામાં અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ના અમલીકરણના અનુસધાને તથા જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી અધતન થાય તથા મધ્યાન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રના બાળકોને વિતરણ થતો અનાજનો પુરવઠો સમયસર મળે તે માટે ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય સચિવ એમ.એ.નરમાવાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
ગાંધીનગર જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનો પર જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીને તથા ગુજરાત રાજય અન્ન આયોગને જો કોઇ ફરિયાદ હોય તો તે માટે લેખિતમાં અથવા ફોન દ્વારા ફરિયાદ કરવાના સૂચન કરતા ઓઇલ પેઇન્ટ સાથેના બોર્ડ તાત્કાલિક અસરથી તમામ વ્યાજબી ભાવની દુકાનો પર લગાવી આ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય નિતીનભાઇ શાહ અને નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાની ઉપસ્થિતમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લાની ૨૫ જેટલી વ્યાજબી ભાવની નવીન અને બંધ પડેલ વ્યાજબી ભાવની દુકાનો ખોલવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંગેની કાર્યવાહી પ્રગતિમાં છે. જિલ્લામાં તમામ મધ્યાહૂન ભોજન કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રો પર સમયસર અને પૂરતો જથ્થો ઉપલબ્ઘ થાય તે માટે સમયાંતરે મોનીટરીંગ કરવા સભ્ય સચિવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લામાં કાર્યરત તમામ વ્યાજબી ભાવની દુકાનો, મધ્યાનભેાજન કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રો જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીની કચેરી તથા ગુજરાત રાજય અન્ન આયોગની કચેરીની વિગતો તથા ટેલીફોન નંબર અને ટ્રોલ ફ્રી નંબર સરળતાથી વાંચી શકાય તે મુજબના બોર્ડ લગાવવા જણાવ્યું હતું. જિલ્લામાં જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની બાકી છે. તેવા લાભાર્થીઓની તાત્કાલિક વિગતો મેળવીને સત્વરે કાર્યવાહી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ના અમલીકરણ અને મોનીટરીંગ તથા સમીક્ષા માટે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાની નિમણુંક થયેલ છે. જેમને ૩૯ જેટલી ટેલીફોનિક અને લેખિત ફરિયાદો મળી હતી. જે પૈકી ૩૫ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.