ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ‘ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો’ જેવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. શહેરની સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓની પુરતી સારવાર કરી શકતુ નથી. સારવાર કરવાની બાબત આવે ત્યારે સત્તાધિશોનુ મગજ કામ કરવાનુ બંધ કરી દે છે. પરંતુ કોલેજ ચલાવવાની વાત આવે ત્યારે કોઇ પણ ભોગે કામ પાર પાડવામાં આવે છે. હાલમાં ગાંધીનગર સિવિલમાં જ પુરતા તબીબો નથી, તેવા સમયે પાટણ હોસ્પિટલમાં પીડીયાટ્રીકને એક એક સપ્તાહ ફરજ બજાવવા આદેશ કરાયો છે.
ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ)ની રાજ્યમાં સાત મેડીકલ કોલેજ નિર્માણ કરાયા બાદ સત્તાધિશોને માત્ર કોલેજ ચલાવવામાં જ રસ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલને તાળા વાગી જવા હોય તો વાગી જાય. પાટણ ધારપુરમાં આવેલી સોસાયટી સંચાલિત કોલેજમાં હાલમાં એક પણ પીડીયાટ્રીશીયન ફરજ બજાવતા નથી, કે ઉપલબ્ધ નથી. ત્યારે કોલેજ ચલાવવા માટે હવે ગાંધીનગર અને અમદાવાદ સોલા મેડીકલ કોલેજમાંથી એક એક સપ્તાહ વારાફરથી એક એક મદદનીશ પ્રાધ્યાપકને પ્રતિનિયુક્તિથી મુકવા માટે સોસાયટીમાંથી આદેશ કરાયો છે.
સિવિલમાં હાલમાં અનેક વોર્ડમાં તબીબની ઘટ જોવા મળે છે. આ ઘટ જો કોઇ ઇન્સ્પેક્શન આવે તો રાતોરાત દુર કરી દેવામાં સત્તાધિશો માહિર છે. પરંતુ દર્દીઓની સારવાર કરવા માટે તબીબની ભરતી કરવાની હોય તો મહિનાઓ નિકળી જાય છે. ત્યારે ગાંધીનગરથી તબીબને પાટણ લઇ જવામાં આવશે ત્યારે હોસ્પિટલમાં પણ એક તબીબ ઓછા થઇ જશે. સોસાયટીની અનેક કોલેજમાં અધ્યાપકોની અછત જોવા મળી રહી છે. પરંતુ એક યા બીજા પ્રકારે ભરતી કરીને કોલેજનુ ગાડુ ગબડાવવામાં આવે છે.