મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસદળમાં અશ્વસવાર પોલીસદળના ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતા પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા-અ બ્રીફ નોટ’’નું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
અત્રે એ વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪માં ગુજરાતમાં યોજાયેલી ૩રમી ઓલ ઇન્ડીયા પોલીસ એકવેસ્ટ્રીયન મીટના અવસરે અશ્વ અને ઘોડેસવારીના ઇતિહાસ, વિરતા અને ગતિ તથા શૌર્યની વિરાસતને પુસ્તક-ડોકયુમેન્ટ સ્વરૂપે આવનારી પેઢીઓ સમક્ષ મુકવાનો પ્રેરણાદાયી વિચાર આપ્યો હતો. તેના પ્રતિસાદ રૂપે આ પુસ્તક લેખન માટેનો પ્રોજેકટ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક-ડી.જી.પી. ડૉ. એસ. ક્રિષ્ણામૂર્તિએ પુસ્તકનું લેખન-સંકલન કર્યુ છે. તેઓ પણ આ વિમોચન વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય પોલીસ દળમાં દાયકાઓથી માઉન્ટેડ પોલીસ દળ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને ગુજરાત પોલીસનું અશ્વદળ દેશમાં સૌથી વધુ સંખ્યાબળ ધરાવતું અશ્વદળ છે.
આ સંદર્ભમાં આ પુસ્તક રાજ્યના પોલીસ અશ્વદળની સક્ષમતા-સજ્જતા અને ભાવિ ઉપયોગીતા માટે અગત્યનું બની રહેશે.
‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધી માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’ પુસ્તક અશ્વ ઇતિહાસ-સંશોધનમાં રસ ધરાવનારાઓ તેમજ અશ્વ સવારો-અશ્વ પ્રેમીઓ માટે એક સંદર્ભ ગ્રંથ બનશે.
મુખ્યમંત્રીએ આ પુસ્તકનું વિમોચન કર્યુ તે અવસરે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ ડાગુર, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા