બારડોલીમાં ૧૦.૫, નવસારીમાં ૮ ઈંચ વરસાદ

1622

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બારડોલીમાં ૧૪ કલાકમાં ૧૦.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.અને વલસાડ જિલ્લામાં ધરમપુરમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. બારડોલીમાં બે યુવકો ખાડીના પૂરમાં તણાઈ ગયા હતા. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એકનો બચાવ થયો છે.

મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા ૧૪ કલાકમાં ૧૦.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં. જ્યારે બારડોલીના હિદાયત નગરથી પસાર થતી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. જેની સીધી અસર ખાડીને અડીને આવેલી ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળી હતી. અહીં આવેલ એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો ખાડીમાં પડી જતા એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું. સ્થાનિકોએ યુવાનને બહાર કાઢી બારડોલી સરદાર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

નવસારી જિલ્લામાં નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. અને નવસારી કલેક્ટર દ્વારા જલાલપોર અને નવસારીમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા આઠ કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જે હાલ ઓસરી રહ્યા છે. અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. દરમિયાન મધુબન ડેમમાં પાણી આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી દમણગંગા નદી બે કાંઠે ચાલી રહી છે. અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Previous articleહવે ટિકિટ પર ખાણી-પીણીનું મેનુ તેમજ કિંમત પણ છપાશે
Next articleઅગરીયાઓના બાળકો માટે મોબાઇલ સ્કૂલ શરૂ, ટીવી સહિત અનેક સુવિધાઓ