હેપ્પી યૂથ ક્લબ દ્વારા તા. ૨જી થી ૧૨મી જુલાઈ સુધી ૧૧ દિવસ માટે દરરોજ સવારે ૬.૦૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન વાવોલમાં એમ.બી.પટેલ હાઈસ્કૂલના પ્રાર્થના હૉલ ખાતે વિના મૂલ્યે “હેપ્પી જીવન યોગ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં ગાંધીનગરના યોગ સેવક વિરમભાઇ દ્વારા વિના મૂલ્યે યોગ નિદર્શનની સેવા પૂરી પાડવામાં આવી હતી.
ગાધીનગરના સેવાભાવી યુવાનોની સ્વૈચ્છીક સંસ્થા હેપ્પી યૂથ ક્લબ દ્વારા વાવોલ ખાતે આયોજિત “હેપ્પી જીવન યોગ સેમિનારમાં શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક તંદુરસ્તી માટે યોગ સેવક વિરમભાઇ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ, કસરત વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
“હેપ્પી જીવન યોગ સેમિનાર”માં ભાગ લેનાર યોગાર્થીઓએ યોગ સેમિનારમાં ભાગ લેવાના કારણે તેમના આત્મ વિશ્વાસ, ધૈર્ય શક્તિ, સંકલ્પ શક્તિ, માનસિક શાંતિ, રચનાત્મક અભિગમ, શારીરીક અને આધ્યાત્મિક શક્તિ વગેરેમાં વધારો થયો હોવાનો તેમજ યોગ-પ્રાણાયામ દ્વારા વિવિધ શારીરિક રોગ તથા હતાશા-નિરાશા-તણાવ જેવી માનસિક તકલીફોમાં ફાયદો થયો હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે “હેપ્પી જીવન યોગ સેમિનાર” દરમ્યાન યોગ-પ્રાણાયામ ઉપરાંત આયુર્વેદ જેવા ઉપયોગી વિષયે પર આયુર્વેદ નિષ્ણાત ડો. રાકેશભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
“હેપ્પી જીવન યોગ સેમિનાર”ના સમાપન પ્રસંગે હેપ્પી યૂથ ક્લબના કોષાધ્યક્ષ ભાવના રામી દ્વારા યોગ સેવક વિરમભાઇ ચૌહાણને પ્રશસ્તિ પત્ર, સ્વામી વિવેકનંદનું પુસ્તક તથા શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત શ્રી પ્રગતિ મંડળ વાવોલના કારોબારી સભ્ય વિનોદસિંહ રાઠોડને મંડળ દ્વારા પ્રાર્થના હોલની સેવા આપવા બદલ હેપ્પી યૂથ ક્લબના યુવા કાર્યકર વિજયસિંહ માજીરાણાના હસ્તે આભાર પત્ર આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યોગાર્થીઓ દ્વારા યોગ સેવક વિરમભાઇને જાહેર સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમા યોગ-પ્રાણાયામ નિદર્શનની તેમની નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવાઓ બદલ યોગાર્થીઓએ સ્વેચ્છાએ એકત્રિત કરેલ સહયોગ રાશિ ભેટ આપવામાં આવી હતી તેમજ તેમના યોગ અભિયાનને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.