વા’લો આજે નિકળશે નગરચર્યાએ : લોકોમાં ઉત્સાહ

1562

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩મી જગન્નાથજીની રથયાત્રા નિકળશે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીની સાથે ભાવિકોને દર્શન દેવા નગરચર્યાએ નિકળશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર, સુભાષનગર ખાતેથી પૂજન વિધિ સાથે નિકળશે. જેને રાજકિય આગેવાનો, સંતો-મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવિરરાજસિંહજીની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે.

રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત વિવિધ આકર્ષક ફ્લોટો, મીની ટ્રેન, નાસીક ઢોલ, શણગારેલા હાથી, વ્યસનમુક્તિ, જળ બચાવો સહિતના ફ્લોટો આકર્ષણ જમાવશે. રથયાત્રાની આગળ તાત્કાલિક રંગોલી બનાવાશે તેમજ રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભાવિકો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ-મંડળો દ્વારા સ્વાગત કરાશે. રથયાત્રાના રૂટ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદ વિતરણ કરાશે તેમજ સમિતિ દ્વારા છેલ્લા ટ્રકમાં પ્રસાદ વિતરણ કરાશે.એસ.પી. માલના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ ૪૦૦૦ ઉપરાંત પોલીસ જવાનો તથા વિવિધ એજન્સીઓ દ્વારા રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત જળવાશે. જ્યારે ભગવાનના રથને સ્પેશ્યલ સિક્યુરીટી આપવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ભાવિકોના ઘોડાપુર ઉમટશે. જ્યારે રથયાત્રા રૂપમ ચોકમાં પહોંચશે ત્યાં હજારો લોકો દર્શન કરવા ઉમટી પડશે.

રથયાત્રા સવારે ભગવાનેશ્વર મંદિરથી પ્રસ્થાન થઈને મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી, સરદારનગર, શિવાજીસર્કલ, શહેર ફરતી સડક થઈને ભરતનગર, સિંધુનગર, સંસ્કાર મંડળ, સેન્ટ્રલ સોલ્ટ, તખ્તેશ્વર મંદિર, રાધામંદિર, સંત કંવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ, નિલમબાગ, નિર્મળનગર, ચાવડીગેટ, વડવા પાનવાડી રોડ, જશોનાથ, ગંગાજળીયા તળાવ, ઘોઘાગેટ, એમ.જી. રોડ, ખારગેટ, મામાકોઠા, દિવાનપરા, હલુરીયા, ક્રેસન્ટ, ડાયમંડ ચોક થઈને રાત્રિના સુભાષનગર પહોંચશે. જ્યાં સંતો દ્વારા ધર્મસભા યોજાશે.

સમગ્ર રથયાત્રામાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

શહેર ભાજપ જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત કરશે

આવતીકાલે નગરની પરીક્રમાએ નિકળતા જગતના નાથનું શહેર ભાજપા કાર્યાલય ખાતે બપોરે ર-૦૦ કલાકે શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઈ મોદીની અધ્યક્ષતામાં શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ હરખભેર ભવ્ય સ્વાગત કરશે. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મંત્રી વિભાવરીબેન દવે, શહેર પ્રથમ નાગરીક મેયર મનહરભાઈ મોરી, મહામંત્રીઓ વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઈ બારૈયા, નેતા પરેશભાઈ પંડયા સહિતના અનેક કાર્યકર્તાઓ અને મહાનુભાવો જોડાશે.

જગન્નાથજીના રથને આવકારશે ભાવનગર જિલ્લા ભાજપ

જય રણછોડ માખણચોરના નારા સાથે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા જગન્નાથજીના રથનું સ્વાગત અને પૂજન જશોનાથ ચોકમાં આવતીકાલે સાંજે ૪-૦૦ વાગે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ભાજપના હોદ્દેદારો, સેલ-મોર્ચા અને ચૂંટાયેલા લોકો ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરીને પૂજન કરશે તેમ જિલ્લા ભાજપા પ્રવક્તા અને મિડીયા સેલના કન્વીનર કિશોર ભટ્ટે જણાવ્યું છે.

Previous articleનગરજનો દ્વારા જવાનોનું સ્વાગત કરાયું
Next articleરાજુલાના વિસળિયા ગામમાં સિંહના ટોળાએ ૬૨ જેટલા બકરાંને ફાડી નાખ્યાં