ભાવનગર જિલ્લના મહુવા પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઈકાલે પડેલા ૩ ઈંચ બાદ આજે પણ બે ઈંચ ઉપરાંત વરસાદ પડતા સર્વત્ર ઠંડકના માહોલ સાથે ખેડુતોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ભાવનગર શહેરમાં પણ બપોરબાદ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. જેમાં પુર્વ વીસ્તારમાં બે ઈંચ જેટલો જયારે પશ્ચિમ વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેર તથા જિલ્લામાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા હતાં. મહુવા શહેર તથા આસપાસના ગામોમાં આજે પણ બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો જયારે વલ્લભીપુર પંથકમાં એક ઈંચ અને ઉમરાળા પંથકમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જીલ્લાના જેસર, તળાજા તેમજ ગારિયધાર પંથકમાં જોરદાર ઝાપટા પડ્યા હતાં.
ભાવનગર શહેરમાં બપોર બાદ ઘોઘામાર વરસાદ ત્રાટકયો હતો. જેમાં પુર્વ વિસ્તારમાં બે ઈંચ જેટલો જોરદાર વરસાદ પડ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. જયારે પશ્ચિમ વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
બપોર બાદ પડેલા વરસાદના કારણે રથયાત્રામાં જોડાયેલા શ્રધ્ધાળુઓ હેતથી ભીંજાયા હતાં અને વરસતા વરસાદમાં પણ ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આમ સતત એકાદ સપ્તાહથી ભાવનગર શહેર – જિલ્લામાં પડી રહેલા હળવા-ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.