વૈદિક પરિવાર દ્વારા પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરાયું

1066

વૈદિક પરિવાર, ગાંધીનગર દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ શુદ્ધિમાં આપણું યોગદાન એ વિષય ઉપર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાઈ ગયો. સેક્ટર-૩૦ ખાતે આવેલ પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દાર્શનિક સંન્યાસી સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક ઉપસ્થિત રહ્યાં હતા.

સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં પર્યાવરણ શુદ્ધિની આવશ્યકતા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે રીતે આપણે દરરોજ સ્નાન કરીને શરીરની શુદ્ધિ કરીએ છીએ, જે રીતે આપણે દરરોજ ઘરની સફાઈ કરીએ છીએ તે જ રીતે ગલી, મહોલ્લા અને જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને ગમે ત્યાં કચરો ન નાંખવા સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ પર્યાવરણને શુદ્ધ રાખવાના કર્તવ્ય વિશે સમજ આપી હતી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતાના ગુણોને અપનાવવા પ્રેરણા આપી સદગુણોને ધારણ કરવા સંકલ્પ પણ લેવડાવ્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભમાં શાળાના પ્રાચાર્ય યુવરાજસિંહ વાઘેલાએ મહેમાનોને આવકારી પુસ્તકો દ્વારા તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ વૈદિક પરિવારનાં ટ્રસ્ટી અને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ રાણાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી પર્યાવરણની શુદ્ધિમાં વૃક્ષોના યોગદાન ઉપર પ્રકાશ પાડ્યો હતો. વૈદિક પરિવારનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધીએ સ્વામીજીનો પરિચય આપ્યો હતો.

વ્યાખ્યાન બાદ શાળા પટાંગણની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક,  અરવિંદભાઈ રાણા, મહેન્દ્રભાઈ ગાંધી, યુવરાજસિંહ વાઘેલા, શાળાનાં ટ્રસ્ટી અર્જુનસિંહ વાઘેલા વગેરે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ધોરણ-૧૧ અને ૧રનાં વિદ્યાર્થીઓએ વર્ષભર આ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

Previous articleઅમરેલીના લીલીયામાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો
Next articleસેક્ટર ૨ સરકારી પ્રાથમિક શાળામાં આઇ ચેક અપ કેમ્પ યોજાયો