ગાંધીનગરના ઉવારસદ ખાતેની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા યૂથ પાર્લામેન્ટમાં તમાકુ, દારૂ અને ડ્રગ્સ જેવા નશા સામે સરકારની નીતિ અંગેના સેશનમાં વિદ્યાર્થીઓએ ગુજરાતમાં દારૂબંધીની રાજ્ય સરકારની નીતિ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને વેધક પ્રશ્નો પૂછ્યા હતા. હર્ષિત નામના એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, અમે દિલ્હીની પાર્લામેન્ટમાં બોલી નથી શકતા પણ અહીં મોકો મળ્યો છે.
કેન્દ્રમાં અને ગુજરાત બંનેમાં તમારી સરકાર છે છતાં ગુજરાતને સંપૂર્ણ ડ્રાય સ્ટેટ કેમ બનાવી શકતા નથી, સૌથી વધુ દારૂ ગુજરાતમાં કેમ વેચાય છે આ પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી માંડવિયાએ જણાવ્યું કે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે, ગેરકાયદે દારૂ ઘૂસે નહીં તેમજ વેચાય નહીં તે માટે થ્રી લેયર સિસ્ટમ ગોઠવી છે. સરકાર તમામ કાર્યવાહી કરી રહી છે છતાં કેટલાક લોકો પોતાના ઘરમાં કે છાનીરીતે દારૂ પીતા હોય છે.
આવી સ્થિતિમાં લોકજાગૃતિ આવે તે પણ એટલું જ જરૂરી છે. અન્ય એક વિદ્યાર્થી ભાર્ગવ ભૂવાએ માંડવિયાને પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે હમણાં જ કહ્યું કે નશાનું દૂષણ દૂર કરવા માટે સામૂહિક પ્રયાસો થવા જોઇએ, હું આપને પૂછવા માંગુ છું કે તાજેતરમાં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે રાજકીય મુદ્દો બનાવવાની વાતો કરતા હતા, શું વિપક્ષને પણ આ મુદ્દે સાથે રાખીને કામ ન થઇ શકે ? માંડવિયાએ આ પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો કે આ મુદ્દો રાજકીય ન બનવો જોઇએ તે પણ સાચી વાત છે. ગુજરાતમાં પ્રોહિબિશનના વર્ષે ૫ લાખ કેસ થાય છે. કાયદો કડક બનાવાયા બાદ ૩૯ ટકા કેસ ઓછા થયા છે. પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને સાથે મળીને કામ થવું જોઇએ.
કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટના પ્રથમ સેશનમાં ડિઝીટલ ઇનટોલરનસ પર ચર્ચા કરવામાં આવી હતી. સોશ્યલ મિડિયા પર મહિલાઓનુ સન્માન થતુ નથી. ઉપરાત સોશ્યલ મિડિયા સાથે તમામ પ્લેટફોર્મ પર મહિલાઓનુ સન્માન કરવાનુ સુચન મિનાક્ષી લેખીએ કરી હતી. ગુજરાત સોશ્યલ મિડિયામાં ઉપયોગી કરણનુ સૌથી સારૂ પ્લેટફોર્મ હોવાનુ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીએ જણાવ્યુ હતુ.સેસનમાં લેખીએ ઇનટોલરન્સ વિશે જણાવ્યુ હતું.