વિધાનસભાની ચૂંટણીમાં હવે મહિલા મતદારોને આકર્ષવા ૧૪મીએ સુષ્મા સ્વરાજનો મહિલા ટાઉન હોલ યોજાશે. જેમાં ૧ લાખથી વધારે મહિલાઓ સુષ્મા સ્વરાજને સવાલ કરશે અને કેન્દ્રીય મંત્રી તેના જવાબ આપશે.
જેને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા ટાઉન હોલની સમગ્ર રૂપરેખા મીડિયાને સમક્ષ રજૂ કરી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેથી રાજયના જુદા જુદા રપ સ્થળોએ ઉપસ્થિત મહિલાને સુષ્મા સ્વરાજ સંબોધી તેમના પ્રશ્નોનો જવાબ આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
રવિશંકર પ્રસાદે કોંગ્રેસના રાહુલ ગાંધીને ઈકોનોમીનો સત્યનાશ ૧૦ વર્ષ સુધી યુપીએની સરકારમાં વળ્યો હોવાનું કહી રાજકીય પ્રહારો કર્યા હતા. પરંતુ તેમને તેમના જ પક્ષના યશવંત સિન્હા દ્વારા ઉઠાવેલા ઈકોનોમી અંગેના પ્રશ્નોનો જવાબ આપવાનું કહેતા, જવાબ આપવાને બદલે યશવંત સિન્હા ઉપર વરસી પડયા હતા અને પક્ષે તેમને આપેલા હોદ્દા અને સત્તાની યાદ અપાવી હલકુ કૃત્ય કરતાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ભાજપના અડીખમ ગુજરાતને તેમણે અભિનંદન સાથે વધાવ્યું હતું.
આગામી ૧૪ ઓક્ટોબરે અમદાવાદ ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મહિલા ટાઉન હોલ કાર્યક્રમ થકી મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમના સવાલોના જવાબ આપશે. જેમાં ૪ રીતે મહિલાઓ સુષ્મા સ્વરાજને ચાર રીતે સવાલ પૂછી શકે છે. મોબાઈલ પરથી જેના પર મિસ્ક કોલ કે વોટ્સએપ કરી શકાય છે, જેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટિ્વટર પર હેસટેગ દ્વારા અને અડીખમ ગુજરાતની વેબસાઈટ પર જઈને સવાલ કરી શકે છે. અગાઉ અમિત શાહના કાર્યક્રમ વખતે પૂછાયેલા પ્રશ્નોના જવાબ હજુ સુધી નહિ મળ્યા હોવાનું જણાવતાં તે અંગે પોતાને માહિતી નથી અને જોવડાવી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.