વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબી મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત, જાતિવાદ- આતંકવાદથી મુક્ત અને વ્યવસ્થા તંત્રમાં પારદર્શકતા સાથે ભારત નિર્માણની કલ્પના કરી છે. આ વિઝનને સાર્થક કરવા યુવાનો સહકાર આપે. ગાંધીનગર પાસે પ્રાઈવેટ યુનિવર્સિટી આયોજિત યૂથ પાર્લામેન્ટના આરંભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમ જણાવ્યુ હતુ.
બે દિવસિય યુથપાર્લામેન્ટના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષથી લઈને રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત યુવાનોને સંબોધન કરતા અમિત શાહે સ્વતંત્રતા પછીના ૭૦ વર્ષમાં ભારતે ઘણું પ્રાપ્ત કર્યુ હોવાનું કહેતા હજુ ઘણુ કરવાનું બાકી હોવાનું જણાવ્યુ હતુ.
મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધીઓ જણાવીને અમિત શાહે કહ્યુ કે, દેશમાં ૧૨૫ કરોડ નાગરીકો છે. આ તમામ એક દિશામાં એક ડગલુ આગળ ભરે તો ભારત આગળ વધતા કોઈ રોકી શકે તેમ નથી. સ્વતંત્રતા પછી એક જ પાર્ટી અને તેમાંય એક જ પરિવાર દેશના રાજકારણ પર હાવી રહ્યો છે. મોટાભાગની રાજકિય પાર્ટીઓ પારિવારિક પાર્ટીઓ બની ગઈ છે. આવી પાર્ટીઓમાં આંતરીક લોકશાહી જ બચી નથી. જ્યાં આંતરીક લોકશાહી ન હોય તે પાર્ટી લોકતંત્રને સંભાળી શતે તેમ નથી. ભારત દૂનિયામાં સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે.
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વર્તમાન સરકારે યુવાનોને દુનિયા સાથે સ્પર્ધા કરવા અનેક યોજનાઓ મારફતે તકો આપી છે. જેની અહીં ચર્ચા થશે. વિવિધ મતમતાંતરમાં પણ દેશનો વિકાસને કેન્દ્રસ્થાને રહેવો જોઈએ. એ દિશામાં વર્ષ ૨૦૨૨માં મોદીના સપનાના ભારત માટે યુવાનો સંકલ્પ કરે. યૂથ પાર્લામેન્ટના પ્રથમ દિવસે ડિજિટલ ઈન્ટોલન્સ વિષય ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંક ચર્તુવેદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મિનાક્ષી લેખી સહિતના વિષય નિષ્ણાતોએ યુવાનો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.