પવિત્ર યાત્રાધામ બગદાણા ગામના ઉપરવાસ વિસ્તારમાં આવેલ ગેબર, વાવડી સહિતની જગ્યાઓમાં ૯ ઈંચ કરતા વધુ વરસાદના કારણે જંગલમાંથી પસાર થતી બગડ તથા હડમતાળુ નદીમાં ભારે પુર આવ્યું હતું. જેના કારણે બગદાણા ગામે આવેલ બગડેશ્વર મહાદેવના મંદિર સુધી પાણી પહોંચ્યા હતા અને મહાદેવ સમક્ષ આવેલ નંદી પાણીમાં ડુબી જવા પામ્યો હતો. આ ભારે વરસાદના કારણે લોકોના વાહનો તણાયા હતા તેમજ અનેક પુલો ધોવાઈને પુરના પ્રવાહ સાથે વહી જવા પામ્યા હતા. નાના-મોટા અનેક પશુઓ પણ પુરના પ્રવાહ સાથે તણાઈ જવા પામ્યા છે. મોડીરાત સુધી પુરનું પાણી ઓસર્યુ ન હોય બગદાણા ગામેથી આશ્રમ તરફ જવાના રોડ પર પાણી ભરાયેલ હોય જેના કારણે યાત્રાળુઓ અટવાઈ પડ્યા હતા, વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો તેમજ અનેક ગામડાઓમાં વાવણી કરાયેલ ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડે તેવી વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે.