ભાવનગર શહેર તથા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બની ગઈકાલથી જ જોરદાર શરૂઆત કરતા માત્ર ર૪ કલાકના સમયગાળામાં ખેતી તેમજ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવી નાખ્યો છે. ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં જાનમાલની નુકશાનીની ભીતીઓ સેવાઈ રહી છે. છેલ્લા ૧પ વર્ષમાં ન વરસ્યો હોય તેવો વરસાદ વરસતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નં.૮-ઈ પાણીમાં ગરકાવ થઈ જતાં સતત બે કલાક સુધી હાઈવે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.
ભાવનગર અને જિલ્લામાં વસતા લોકો લાંબા સમયથી વરૂણદેવની ઉત્તમ પ્રકારે મહેર થાય તેવી આશાઓ સેવી રહ્યાં હતા. લોકોની આ પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય તેમ રથયાત્રાના દિવસથી જ પ્રારંભિક મંદગતિએ હેત વરસાવવાનું શરૂ કર્યુ હતું. પરંતુ આજરોજ સવારથી જ પ્રથમ જિલ્લાના તમામ તાલુકાઓ તથા ગ્રામ્ય પંથકમાં હળવો-ભારે વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તોફાની વરસાદના મંડાણ મંડાયા હતા અને સાંજ સુધીમાં સર્વત્ર ૩ થી લઈને ૯ ઈંચ કરતા વધુ વરસાદ વરસી જતાં ચોમેર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સર્વાધિક ૯ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વરસાદના પગલે ભાવનગર જિલ્લાના અનેક ગામો તાલુકા મથકેથી વિખૂટા પડી જવા પામ્યા છે. તો બીજી તરફ રસ્તાઓ, પુલ, નાળાઓ, વિજપોલ તેમજ અંડરગ્રાઉન્ડ કેબલ લાઈનો તથા વૃક્ષો ધરાશાયી થઈ પુરના પાણી સાથે વહી જવા પામ્યા છે. પાલીતાણા અને મહુવા તાલુકા વચ્ચે આવેલ તથા અમુક અંશે જેસર તાલુકાને સ્પર્શતા ગામડાઓમાં અને બૃહદગીર વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આથી નદીઓ ગાંડીતુર બની પોતાની નિયત મર્યાદા તોડી કાંઠાથી ઉપર લેવલે વહેતી થઈ હતી. જેના કારણે નદી-કાંઠા પર રહેતા અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા સાથોસાથ ઘરવખરી, પશુઓ સહિતની સામગ્રીઓ પુરના પાણી સાથે વહી જવા પામી છે. આજે રવિવારનો દિવસ હોય એકાએક ત્રાટકેલા વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર દોડતું થયું છે.
જો કે, મોડીરાત સુધી જાનમાલની નુકશાનીનો ચોકકસ આંક અગર નુકશાની જાણવા મળી નથી. પરંતુ બિનસત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, તળાજા અને મહુવા તાલુકાના અનેક ગામડાઓનો સંપર્ક તુટી જવા પામ્યો છે. અનેક ગામોમાં અંધારપટ જેવી સ્થિતિનું સર્જન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તાકિદે સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાઓ પર આશરો આપવામાં આવ્યો છે અને તંત્રના અધિકારીઓ દ્વારા નદી-તટ તથા અન્ય જળાશયો આસપાસ પેટ્રોલીંગ હાથ ધરી આવા સ્થળોએથી લોકો-પશુઓને દુર રાખવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
તળાજા તાલુકાના બોરડા ગામે ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ભારે પુર આવતા અને પુરનો પ્રવાહ રૂંધાતા પુરના ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા હતા અને ઘુંટણથી લઈ કમર સુધી ડુબી જવા પામ્યા હતા. ભાવનગર તેમજ ગામડાઓમાં રાત્રિના સમયે પણ ધીમી ધારે વરસાદ શરૂ રહેવા પામ્યો હતો.
બગડ ડેમ ઓવરફ્લો
તળાજા તાલુકા અને મહુવા તાલુકાના અનેક ગામોને સિંચાઈ અર્થે પાણી પુરૂ પાડતા બગડ ડેમમાં એક જ વરસાદે પૂર્ણ સપાટીએ છલોછલ ભરાઈ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. તે સાથોસાથ તાજેતરમાં લોક સમુદાય દ્વારા નિર્મિત મેથળા બંધારો પણ પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. તળાજા ગામ વચ્ચેથી પસાર થતી તળાજી નદીમાં પુરના ભારે પ્રવાહના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. તળાજા તાલુકાના બોરડા, કુંડવી, રેલીયા, મેથળા, ઉંચા કોટડા, નીચા કોટડા, દયાળ, ભુંગર, પસવી, દાઠા સહિત અનેક ગામોના નાના-મોટા તમામ ચેકડેમો છલોછલ ભરાઈ જવા પામ્યા છે. છેલ્લા બે વર્ષથી અપુરતા વરસાદના કારણે અછત જેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સરતાનપર બંદર, તરસરા, દેવલી, ઈસોરા, પાદરી (ભમ્મર) સહિતના ગામોમાં ઉનાળા દરમિયાન ખેત તલાવડા અને નવા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે ચેકડેમોમાં એક જ સારા વરસાદથી પૂર્ણતઃ ભરાઈ જવા પામ્યા છે અને પાણી પ્રશ્ન ભૂતકાળ થઈ જવા પામ્યો છે.
રાજકિય અગ્રણીઓ દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાપતી નજર
ભાવનગર શહેર અને જિલ્લામાં થઈ રહેલ ભારે વૃષ્ટિના કારણે શહેર અને જિલ્લો બન્ને પ્રભાવિત થયા છે ત્યારે લોક પ્રતિનિધિઓ પણ આ સ્થિતિને લઈને સતત ચિંતિત જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ તેમજ રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, મેયર મનભા મોરી સહિતનાઓએ શહેરની પરિસ્થિતિ અને ગ્રામ્ય પંથકમાં કેવા અને ક્યા પ્રકારની સ્થિતિ રહેલી છે તે બાબતની જવાબદાર અધિકારીઓ પાસેથી સતત માહિતીઓ મેળવી હતી અને જરૂર જણાયે તમામ પ્રકારની મદદની તૈયારીઓ દર્શાવી હતી.
ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હોય જેને લઈને મેયર દ્વારા ડ્રેનેજ વિભાગના અધિકારીઓ તથા સફાઈ કામદારોને પાણી ભરાયાના સ્થળોએ મોકલી તત્કાલ યોગ્ય કરવા આદેશો કર્યા હતા. ખાસ કરીને કુંભારવાડા, રેલ્વે સ્ટેશન, સુભાષનગર, આનંદનગર, પ્રભુદાસ તળાવ સહિતના અનેક વિસ્તારોમાં જમીન બેસી જવા સાથે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થવો, ગટર ઉભરાવવી જેવા પ્રશ્નો સર્જાયા હતા.