મહુવા તાલુકાના ધરાઈ ગામે ગઈકાલે આવેલ ભારે પુરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પશુઓ તણાઈ જવા સાથે ગામમાં આવેલ સરકારી શાળામાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બગદાણા તાબેના ધરાઈ ગામે ગત રવિવારના રોજ બગડ નદીમાં આવેલ ભારે પુરના કારણે ભારે તારાજી થવા પામી છે. શાળાના શિક્ષક અલ્પેશભાઈના ૧૯૬પની સાલમાં આ ગામમાં સરકારી શાળા શરૂ કરવામાં આવી હતી પરંતુ ગામના વડીલોના જણાવ્યા અનુસાર ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આવું ભારે પુર આવ્યું હતું. નદી પર તાજેતરમાં બનાવવામાં આવેલ નવો પુલ પણ તુટીને તણાઈ જવા પામ્યો છે. જ્યારે શાળાની કમ્પાઉન્ડ વોલ સંપૂર્ણ પણે ધરાશાયી થઈ જતા વર્ગ ખંડમાં ૪ ફુટ જેટલા પાણી ભરાયા છે અને મોટી માત્રામાં કાદવ કીચડ એકત્ર થયો છે. શાળામાં આવેલ કોમ્પ્યુટર લેબ અંદાજે ૧ર જેટલા તથા નવા જુના તમામ અગત્યના રેકર્ડ, એલઈડી સહિત અનેક ઈલેક્ટ્રીક ઉપકરણો તથા અન્ય સરસામાન પુરના પાણીમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવા પામ્યો છે. શાળાના પટાંગણમાં આવેલ શૌચાલય પણ ધ્વંસ્ત થઈ જવા પામ્યું છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે રવિવાર હોય શાળામાં જાહેર રજાના કારણે મોટી જાનહાની ટળી હતી. આ પુર હોનારતના કારણે શાળાને લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું તથા હાલ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.