ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલ મેઘમહેરના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશય થવાના બનાવો સામે આવ્યા છે. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ રસ્તા પરથી વૃક્ષોને હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં.
બનાવની મળતી વિગત મુજબ શહેરના વડવા વોશીંગ ઘાટ દેવજીભગતની ધર્મશાળા પાસે આવળનું વૃક્ષ સવારે ધરાશાય થતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતાં. જયારે આનંદનગર જુની એલ.આઈ.જી. જલારામ મંદિર પાસે લીમડાનું ઝાડ અચાનક પડ્યું હતું. તેમજ કુંભારવાડા મોક્ષ મંદિર શાંતિનગર ખાતે બાવળનું ઝાડ ભારે વરસાદના કારણે ધરાશાઈ થયું હતું અને વડવા વિસ્તારમાં આવેલ ખીજડાવાળી શેરી ખાતે ખીજડાના વૃક્ષની ડાળ વિજવાયર પર પડી હતી. જેને પીજીવીસીએલ સ્ટાફે અને ફાયર સ્ટાફે મહામહેનતે નીચે ઉતારી હતી. તેમજ વિદ્યાનગર ડો. દિજેશ શાહના હોસ્પિટલ પાસે એક વૃક્ષ ધરાશાઈ થયું હતું. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ રસ્તાઓ પર પડેલા વૃક્ષને હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં.