વિદ્યાર્થી ઘાતક હથિયાર લઈને નથી આવ્યો ને ? શિક્ષકો સ્કૂલ બેગ તપાસે : શિક્ષણ વિભાગ

1583

રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની બેગમાં છરી, ચપ્પા, બ્લેડ ક સોયા જેવાં ઘાતક હથિયાર સાથે સ્કૂલ કેમ્પસમાં ન પ્રવેશે તે માટે વિદ્યાર્થીઓની સ્કૂલબેગની સમયાંતરે ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલ કમિશનરની કચેરી દ્વારા આ વ્યવસ્થા જોવા તમામ ડીઇઓને તાકીદ કરાઇ છે. આ માટે તા. ૧૧ જુલાઈએ પરિપત્ર પણ બહાર પાડી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના ગુરુગામમાં અને ગત જૂન મહિનામાં વડોદરાની ભારતી સ્કૂલમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થી દ્વારા ધોરણ-૯ના વિદ્યાર્થીની છરીના ૩૦ જેટલા ઘા મારીને કરપીણ હત્યા કરવાના બનાવને પગલે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંકુલમાં વિદ્યાર્થીઓની સલામતી માટેની નક્કર વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરાઈ છે.

જેના ભાગરૂપે શિક્ષકોએ સૌપ્રથમ તો તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારના હથિયાર નહીં લાવવા અને બેગમાં માત્ર અભ્યાસ માટેનાં પુસ્તકો તથા નોટબૂક જ લાવવા સમજાવવાનું રહેશે. કોઇ વિદ્યાર્થી આ પ્રકારનાં હથિયાર સાથે લાવતા હોય તો શિક્ષકનું ધ્યાન દોરવા મા ટે પણ સમજ અપાશે. સાથે બેગનું પણ રેન્ડમ ચેકીંગ કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓ ચેકીંગના ડરથી પણ આ પ્રકારની વસ્તુઓ સાથે ન લાવે. સાથે શિક્ષકોને એવી પણ તાકીદ કરાઇ છે કે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા ન કરાય તેમજ માનસિક ભાર (સ્ટ્રેસ) ન અપાય.

સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સૂચવાયેલા પગલાં મુજબ સ્કૂલમાં કે ગામમાં વિદ્યાર્થીઓ વચ્ચે નાની મોટી બોલચાલ કે મારામારી જેવી ઘટના બનતી હોય છે આ પ્રકારની નજીવી બાબત મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે વિદ્યાર્થીઓને સમજ આપી સુલેહ- સંપ કરાવો તેમજ તેમના વાલીનો સંપર્ક કરી કાઉન્સેલીંગ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓની અનિયમિતતા, ગેરવર્તણૂંક સહિતની વિગતોની તેમના માતા-પિતાને જાણ કરવી અને શાળાના સ્ટાફ અને અન્ય વિદ્યાર્થી પ્રત્યે પૂર્વગ્રહ ન રહે તે માટે સમજ અપાશે. વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચાર જળવાય, ક્રોધ સહિતની નકારાત્મકતા દૂર થાય તે માટે પ્રાર્થના સમય દરમિયાન યોગનું આયોજન કરવા પણ કહેવાયું છે.

Previous articleતળાજાના ભેગાળી ગામનો રસ્તો તુટ્યો
Next articleભારે વરસાદના પગલે એનડીઆરએફની વધારે પાંચ ટીમ બોલાવી : મુખ્યમંત્રી