ઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ તાત્કાલિક નહીં બનાવાય તો પ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી

2034

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલી દરિયાઈ સંરક્ષણ દિવાલ લાંબા સમયથી તુટી ગયેલ હોય છેલ્લા કેટલાક સમયથી દરિયામાં ભરતીના સમયે પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ઘુસી જતા હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દિવાલ બનાવવા વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે જો કોઈ મોટી જાનહાની થાય તે પૂર્વે તાત્કાલિક દિવાલ બનાવવા અંગે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલે મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખી તાકીદ કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ સદંતર તુટી ગયેલ છે જે બાબતે ઘણા સમયથી અલગ-અલગ સરકારી વિભાગોમાં વારંવાર રજૂઆત કરેલ છે. આ દિવાલ (૧) ગુજરાત મેરીટાઈમ બોર્ડ (જીએમબી) (ર) ક્ષારઅંકુશ (સિંચાઈ વિભાગ) હસ્ત ત્રણ ભાગમાં આવે છે પરિણામે કોઈ વિભાગ જવાબદારી લેવામાં તૈયાર નથી. આ બાબતે ભાવનગરના જે-તે સમયના કલેક્ટરને પણ અનેકવાર રજૂઆત કરેલ છે પરંતુ આજ સુધી નક્કર પગલા લેવાયા નથી.

દરિયાઈ ભરતી વખતે ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય છે તથા દરિયાઈ કિનારનું ધોવાણ થતું જાય છે જેના લીધે હાલમાં ધોવાણ થતા ગામના રહેણાંકી વિસ્તાર સુધી પહોંચી જવાથી ગ્રામજનોને ખૂબ જ હાલાકી થયેલ તથા હાલ ચોમાસામાં ઘોઘા ગામના અનેક વિસ્તારમાં દરિયાના પાણી ઘરમાં ઘુસી ગયા છે. આ બાબતે તાત્કાલિક અસરકારક યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો મોટી હોનારત થવાથી પણ શક્યતા રહેલી છે.

લગભગ વર્ષ ૧૯૮રની આસપાસ આ જ સંરક્ષણ દિવાલ તુટી ગઈ હતી જે યોગ્ય અસરકારક પગલા લઈ રીપેર કરવામાં આવી હતી. લગભગ વર્ષ ૧૯૯૦ની આસપાસ સુધી રહી હતી. ત્યારબાદ કોઈ દરકાર ન લેવાતા ફરીવાર તુટી ગયેલ છે. જે બાબતે વર્ષ ૧૯૯૦-૯૧થી ઘોઘા ગામના લોકો દ્વારા સતત રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસાની ઋતુ છે અને એક તરફ દરિયામાં મોટી ભરતી સમયે હાલમાં ગામમાં પાણી ભરાય ગયા હતા મોટી માનહાની થવાની શક્યતા રહેલી છે ત્યારે તાત્કાલિક દિવાલ બનાવવાની માંગ સાથે તા.પં. પ્રમુખ સંજયસિંહ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરેલ છે અને યોગ્ય નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવેલ.

Previous articleગૌત્તમેશ્વર તળાવમાં નવા નીરના વધામણા
Next articleજીતુભાઈ વાઘાણીએ વરસાદથી પ્રભાવિત કુંભારવાડામાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું