શહેરી બસ સેવાના લોકાર્પણની સાથે મહાપાલિકા દ્વારા સેક્ટર ૨૮ના બાલોદ્યાનમાં નવી ફેમીલી ટ્રેનને પણ તારીખ ૯મીએ જ દોડતી કરી દેવાશે. હવે બેબી ટ્રેન નહીં પરંતુ અમદાવાદના કાંકરિયા તળાવની થિમ પર અહીં પણ ફેમીલી ટ્રેન મુકાશે, જેમાં એન્જીન ઉપરાંત ૫ બોગી લાગશે. દરેક બોગીમાં ૧૮ સહેલાણીની બેઠક વ્યવસ્થા હોવાથી ટ્રેન ૯૦ સહેલાણીનું એક સાથે વહન કરી શકશે. અમદાવાદની કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે અને બાલોદ્યાન ખાતે ટ્રેનનું ફીટિંગ શરૂ કરી દેવાયું છે.
રૂપિયા ૫૭ લાખના ખર્ચે નવી ટ્રેન પણ મુકવામાં આવી રહી છે મહાપાલિકાના સિટી એન્જીનિયર ભરત પંડ્યાએ જણાવ્યું કે પાટનગરની સ્થાપના સમયે અહીં આવી વસેલા સરકારી કર્મચારીઓના પરિવારને આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે તેના માટે સેક્ટર ૨૮ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. હવે આ ગાર્ડન પાટનગર યોજના વિભાગે સંચાલન માટે મહાપાલિકાને સોંપી દેતા તેના સમગ્ર રિનોવેશનની ૫ કરોડ ઉપરાંતના ખર્ચની યોજના મુકવામાં આવી છે. તેમાં રૂપિયા ૫૭ લાખની ખર્ચે નવી ટ્રેન પણ મુકવામાં આવી રહી છે.
નવી ફેમીલી ટ્રેનનું તારીખ ૯મીએ લોકાર્પણ કરતા પહેલાં તારીખ ૮મીએ રિહર્સલ કરી લેવામાં આવશે. બાલોદ્યાનમાં ટ્રેનના આમ્રકુંજ સ્ટેશનમાં અમદાવાદથી આવેલા ટ્રેનના પાર્ટસનું યુદ્ધના ધોરણે ફીટિંગ ચાલુ કરી દેવાયું છે. અમદાવાદ સ્થિત વિહિરા માર્કેટિંગ નામની કંપનીને ફેમીલી એમ્યુઝમેન્ટ ટ્રેન માટે ડિઝાઇન, બિલ્ટ, સપ્લાય તથા ઓપરેટના ધોરણે ટ્રેનની કામગીરી સોંપવામાં આવી છે.