રાજકોટ વિધાનસભામાં વિજય રૂપાણી સામે હાર મેળવ્યા પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ નિષ્ક્રિય બની ગયા હતા અને એકાએક રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી તેને કોંગ્રેસમાં લેવા રાજકોટના સંમર્થકોએ માંગ કરી હતી. આતરિક વિવાદ અને પાર્ટીની ફંક્શનિંગથી નારાજ ઇન્દ્રનીલે કહ્યું હતું કે, રાહુલ ગાંધી યોગ્ય માણસ છે તેના દ્વારા યોગ્ય ફંક્શનિંગ થશે તો પાર્ટીમાં પરત ફરવાનું વિચારીશ. રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ પણ રદ થયો હતો, આજે તે દિલ્હી દોડી ગયાની વાતે જોર પકડ્યું છે. નજીકના દિવસોમાં તે કોંગ્રેસમાં પરત ફરશે અને પરત ફરવાના નાટકીય રાજકારણનો ગમે ત્યારે અંત આવે તો નવાઇ નહીં. ઇન્દ્રનીલને પરત લેવા રાજકોટના સમર્થકો દ્વારા બેઠકો થઇ તેના ઘરે કોર્પોરેટરો તેને મનાવવા દોડી ગયા હતા. કુંવરજી બાવળિયાના આંતિરક વિવાદ બાદ બાવળિયા ભાજપમાં જોડાતા ઇન્દ્રનીલની તકલીફ હળવી બની હતી અને પાર્ટીમા કંઇ રીતે પરત ફરવું તેની રૂપરેખા નક્કી થઇ રહી હતી. મહાનગર પાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાના જણાવ્યા મુજબ ભાજપના લોકોને ઉંચા હોદ્દા અપાતા હોવા સામે રાજ્યગુરૂને વાંધો હતો. તેમણે ક્યારેય કોંગ્રેસ પક્ષ વિરૂદ્ધ કોઈ ઉચ્ચારણ કર્યું નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષના હિત માટે અમે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આ વિશે રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ અમિત ચાવડાએ કહ્યું છે કે, ઈન્દ્રનીલનું રાજીનામું પણ અહીંથી સ્વીકારાયું નથી અને તેમને પક્ષમાં પરત ફરવું હોય તો દરવાજા હંમેશા ખુલ્લા જ છે.