ઉના અને ગીરગઢડા વિસ્તારના ભારે વરસાદથી પ્રભાવીત વાંસોજ, સીમાસી, કણકીયા, કણેરી અને હરમડીયા ગામની પાણી-પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વરસતા વરસાદમાં મુલાકાત લઇ લોકો અને સ્થાનિક તંત્ર સાથે સંવાદ કરી જાત માહિતી મેળવી હતી.
મંત્રી બાવળીયાએ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત પહેલા ઉના ખાતે રાત્રે ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ સવારે પ્રાંત કચેરી, ઉના ખાતે તાલુકાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિની જાણકારી મેળવી હતી. રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી આ તમામ કામગીરી વધુ ઝડપી બનાવી સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
મંત્રીએ ભારે વરસાદથી પ્રભાવી વિસ્તારોમાં જાન-માલ, પાક, ઘરવખરી, પશુધન સહિતની નુકશાનીનું વરસાદી પાણી ઓસરતા તાત્કાલીક સર્વે હાથ ધરવા રાજ્ય સરકારે અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હોવાનું જણાવી અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય ચૂકવવા સત્વરે કાર્યવાહી થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી રાહત-બચાવ કામગીરીની વધુ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.