વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચોટીલા ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ જિલ્લાની મધ્યમાં નિર્માણ થનાર આ આધુનિક એરપોર્ટના કારણે આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા એકબીજા સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરશે. તેજ ગતિથી આગળ વધવાની સંભાવનાવાળા આ બે જિલ્લાઓને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા અહીં ભવ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે આ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધિના દ્વાર ખુલશે. હવાઈ ચપ્પલ પહેરનાર સામાન્ય વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરી શકે તેવો એવીએશન સેક્ટરના વિકાસ કરવાનું કેન્દ્ર સરકારે આરંભ્યું છે. ચોટીલા ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાનએ ઉક્ત સંદર્ભમાં જણાવ્યું હતું કે, એવીએશન પોલીસી થકી અમદાવાદ-મુંબઈ-ચેન્નઈ જેવા મોટા શહેરોની સાથે નાના-નાના શહેરોમાં પણ એર કનેક્ટીવીટી ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. જેને અનુરૂપ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ થનાર આ એરપોર્ટ ઉપરથી ભવિષ્યમાં ઈન્ટરનેશનલ સર્વિસ શરૂ થશે, એ દિવસો પણ હવે દુર નથી. વડાપ્રધાનએ ગુજરાતમાં નર્મદાના નીર થકી આવેલ સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નર્મદાના નીર થકી આ જિલ્લો આવનારા દિવસોમાં કૃષિના વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. નર્મદાના નીરના દ્વારા જિલ્લાની કૃષિ સમૃદ્ધિમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લાની જમીનની કિંમત પણ વધી છે. જેને ધ્યાને લઈ સરકારે હિરાસર ખાતે નિર્માણ થનાર આ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ખેડુતોની ઓછામાં ઓછી જમીન સંપાદન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેના પરિણામે આ પ્રોેજેક્ટ માટે ખેડુતોની માત્ર ૪ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની ૯૬ ટકા જમીન સરકારી બંજર જમીન છે. વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, સરકારે માર્ગોના નવીનીકરણની સાથે ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે કામગીરી હાથ ધરી છે. જે અન્વયે અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ અને રાજકોટ-મોરબીના માર્ગને ચારમાર્ગીય કરવાનું કાર્ય હાથ ધરીને માર્ગ અકસ્માતોના નિવારણની સાથે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્ધાર ખોલ્યા છે.