ગાંધીનગરના દોલારાણા વાસણા ખાતે ચૂડવેલનો ત્રાસ

1194

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂડવેલ જીવાતનો ત્રાસ શરૂ થઇ ગયો છે. દહેગામ પંથકના ગામડામાં ઘરે ઘરે ચૂડવેલો નિકળી હતી. હવે ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણામાં ઘરે ઘરે ધામા નાખવામાં આવ્યા છે. મકાનો અને દુકાનોમાં જ્યાં જુઓ ત્યા ચૂડવેલ જ જોવા મળી રહી છે. ત્યારે પશુઓના તબેલામાં પહોંચી પશુઓ ઉપર ચડવાથી દોડા દોડી થઇ જાય છે.

ગાંધીનગર તાલુકાના સાબરમતિ નદી કાંઠે આવેલા દોલારાણા વાસણામાં ગામમાં ચૂડવેલનો ત્રાસ થઇ ગયો છે. ગામના રસ્તાઓ ઉપર પાણીની જેમ વહેતી જોવા મળી રહી છે. જ્યારે ગામના મકાનોમાં પણ દિવાલો અને ધાબા ઉપર ચોટેલી હાલતમાં જોવા મળે છે. ત્યારે ગ્રામજનોની મુસીબતમાં વધારો થયો છે. ગામમાં મોટાભાગના પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી ઢોર ઢાંખર રાખે છે. ત્યારે ચૂડવેલ તબેલામાં અને પશુઓ ઉપર ચડવાથી પશુઓ ગભરાઇ જાય છે અને ભાભરવા લાગે છે. ત્યારે ગ્રામજનોને પગ મુકવો મુસીબત ભર્યો થઇ ગયો છે. ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે અને ચૂડવેલના ત્રાસથી ગ્રામજનોને મુક્ત કરાવાય તેવી આશા રાખી રહ્યા છે.

સામાન્ય રીતે નદી કાઠાના ગામડામાં દર ચોમાસામાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ ચૂડવેલને નાથવાનો પ્લાન બનાવે તો નાગરિકોને અને વિભાગને પણ અડધી રાતે દોડવુ ના પડે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આ માટેનો કોઇ યોજના બનાવાઇ જ નથી. આ બાબતે જાગ્યા ત્યારથી સવાર સમજીને કામગીરી કરવામાં આવે .

Previous articleવાવોલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર કેક ચોપડાઇ
Next articleશહેરમાં આડધેડ પાર્કિંગની સમસ્યા યથાવત