ગાંધીનગર, તા. ૨૦
સમગ્ર જિલ્લામાં સામાન્ય વરસાદની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની દશા બેસવા લાગી છે.
ગાંધીનગર પાસેનાં વાવોલ ગામથી ખ-માર્ગ પર નિકળવા માટેનો નાના ફાટકવાળો માર્ગ વરસાદ બાદ જોખમી બન્યો છે. માર્ગ પર મસમોટા ખાડા પડવા સાથે તેમાં પાણી ભરાવાનાં કારણે વાહનચાલકો ગંદા પાણીમાં ખાબકી રહ્યા છે.
પાણી ભરાવાનાં કારણે ગંદકી નિર્માણ થવા સાથે દરગાહ પર જતા મુસ્લીમભાઇઓને પણ આ ગટર જેવા ગંદા પાણીમાંથી જ ચાલીને જવુ પડે છે.
આ વિસ્તારમાં હરીનગર, ભુમિપાર્ક સહિતની જુની તથા નવી સોસાયટીઓનાં રહીશો, સ્કુલનાં વાહનોને આવવા-જવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ માર્ગને ઉંચો કરીને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.