પાટનગરમાં વાદળિયા વરસાદી માહોલના પગલે મચ્છરની વ્યાપક ઉત્પત્તિ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઉભુ થઇ ગયું છે. ત્યારે મહાપાલિકા દ્વારા પખવાડિયા પહેલાથી મચ્છર વિરોધી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેના અંતર્ગત સેક્ટર ૬માં મચ્છરજન્ય બિમારીના કેસ મળતા શરૂ કરાયેલી તપાસ દરમિયાન ડોક્ટર હાઉસ અને મેક્સેસ હેલ્થ કેરની સાઇટ પર પહોંચેલી મેલેરિયા ટીમના અધિકારીઓ અહીં ડેન્ગ્યુ તાવ ફેલાવતા મચ્છરોની ફેક્ટરી જોઇને ચોંકી ઉઠ્યા હતાં.
બન્ને સાઇટ પર કોન્ટ્રાક્ટર કંપની તરફથી અગાઉ મચ્છર સંબંધમાં સમજ આપી હોવા છતાં કોઇ તકેદારીના પગલા લેવાયા નહીં હોવાનું જણાવાની સાથે રિપોર્ટ કરતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બન્ને કોન્ટ્રાક્ટર ઉપાસના ઇન્ફ્રા પ્રોજેક્ટ અને આનંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને ૨ દિવસમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા નોટિસ ફટકારાઇ છે.
શહેરમાં ચોમાસાની મોસમ દરમિયાન પ્રતિ વર્ષ મચ્છરોની વ્યાપક ઉત્પ્તિ થતી હોવાના કારણે મેલેરિયા અને આરોગ્ય શાખા અગાઉથી બાંધકામ સાઇટ્સની વિઝીટ કરીને મચ્છર ઉત્પન્ન ના થાય તેના માટે કેવી વ્યવસ્થા કરવી તેની સમજ આપતા હોવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગુનાહિત બેદરકારી રાખે છે. ગત વર્ષે તો મહાપાલિકાએ સરકારી ઇમારતોનું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે આ વર્ષે હોસ્પિટલોના બાંધકામના સ્થળે મચ્છરની વસાહતો મળી આવતા તેનો નિકાલ કરાયો છે અને કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારાઇ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે સોમવારે ઉપરોક્ત બન્ને સ્થળે તપાસ કરાશે અને યોગ્ય વ્યવસ્થા કરાઇ ન હોય તો કાયદેસર કરાશે.
આરોગ્ય શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે સેક્ટર-૬ની બાંધકામ સાઇટ્સ પર વ્યાપક મચ્છર મળ્યા હતાં અને આ વિસ્તારમાં જ રહેતા એક યુવાનને ડેન્ગ્યુ થયાનો પોઝિ -ટીવ રિપોર્ટ આવ્યો છે.
સેક્ટર ૨૮માં તમામ ભંગારિયાઓને ક્યાંય પાણી ભરાઇ ન રહે તેવી તાકીદ કરાઇ છે. જ્યારે ટાયરના વેપારીને ત્યાંથી ૩ ટ્રક ભરીને જુના ટાયરનો નિકાલ કરાવાયો હતો. અહીં એપોલો ટાયર્સ, આસુતોષ ટ્રેડર્સ, અંબિકા સેલ્સ, મહિન્દ્રા મોટર્સ અને નિશાન મોટર્સને પણ સફાઇ જાળવવા તાકીદ કરી હતી.