ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા

1495

ગુજરાત રાજયમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદનું જોર વધુ નોંધાયું હતું. સુરતમાં ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું હતું અને કાંકરા અને મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં પરવત પાટિયાની સરસ્વતી સ્કૂલ સહિતની ત્રણ સ્થાનિક શાળાઓ ખાડીના પાણીમાં ડૂબી હતી. માત્ર શાળાઓ જ નહી પરવત પાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરો-દુકાનો અને બજારોમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા, જેને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં છ ઇંચથી વધુ નોંધાયો હતો. આ જ પ્રકારે ચોર્યાસી, બારડોલી, પલસાણા સહિતના વિસ્તારોમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બીજીબાજુ, ગીરસોમનાથમાં મેઘરાજાએ વિરામ લેતાં તંત્ર દ્વારા હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહી, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થાનિક કીમ નદી જાણે ગાંડીતૂર બની હતી. મોટા બોરસરાથી નરોલી જતા માર્ગ પુલિયા પર પાણી ફરી વળતાં તે બંધ થઇ ગયો હતો. જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સુરતમાં ભારે વરસાદના કારણે માંડવીના કાંકરાપાર ડેમમાં વરસાદી નવા નીર આવ્યા છે. આ જ પ્રકારે રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.  પંચમહાલ-દાહોદમાં ભારે વરસાદને લઇ ત્રણ સ્થાનિક ડેમોમાં નવા નીરની આવક થઇ હતી. તો, અરવલ્લીમાં પણ નોંધપાત્ર વરસાદના કારણે સ્થાનિક મેશ્વો ડેમની સપાટીમાં એક સે.મી જેટલો વધારો થઇ રહ્યો છે. રાજયના સંખ્યાબંધ તાલુકાઓમાં આજે પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જો કે, વરસાદનું જોર પાછલા સપ્તાહ કરતાં ઓછું જોવા મળી રહ્યું છે. રાજયમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૫૨ ટકાથી વધુ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં ૭૦.૫૨ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાંના કેટલાક તાલુકાઓમાં તો, ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદના હળવા છાંટા નોંધાયા હતા. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ધનસુરા, હિમંતનગર, બાયડ, મોડાસા, પાલનપુર સહિતના પંથકોમાં આજે પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. અરવલ્લી પંથકમાં તો ભારે વરસાદના કારણે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે મેઘમહેર જોવા મળી હતી.

ગુજરાત : છેલ્લા ૮ દિનમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ

(સં.સ. સે.) અમદાવાદ, તા.૨૨

ગુજરાતભરમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. આઠ દિવસના ગાળામાં જ સિઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાના આંકડા સપાટી ઉપર આવ્યા છે. ક્રિકેટ ખેલાડીની જેમ ધીમી ઇનિંગ્સ બાદ ગુજરાતમાં મોનસુને આક્રમક બેટિંગ કરી છે અને છેલ્લા દિવસોમાં વરસાદી આંકડાને સરભર કરી દીધા છે. ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઓછો વરસાદ નોંધાયો હતો. જો કે, ત્યારબાદ જોરદાર વરસાદ થયો છે. ૧૩મી જુલાઈથી ૨૦મી જુલાઈ વચ્ચેના આઠ દિવસના ગાળામાં જ ૨૫.૮ ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે. પહેલા ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ૨૨.૮ ટકા વરસાદ થયો હતો જેની સામે છેલ્લા આઠ દિવસમાં ૨૫.૮ ટકા વરસાદ નોંધાયો છે જેથી સિઝનમાં કુલ વરસાદનો આંકડો ૪૮.૩ ટકા થઇ ગયો છે. ૨૧મી જુલાઈ સુધી ગુજરાતમાં સિઝનનો વરસાદ ૫૧.૩ ટકા થઇ ગયો છે.  વરસાદનો આંકડો ૪૨૬.૭ મીમીનોંધાઈ ગયો છે. આઈએમડીના અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા બે સપ્તાહમાં રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો અને બંગાળના અખાતમાં સારી સિસ્ટમ સર્જાઈ છે જેથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.  ગુજરાતમાં સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મહત્તમ વરસાદ પડે છે. આંકડા દર્શાવે છે કે, હજુ સારો વરસાદ થઇ શકે છે. આંકડા દર્શાવે છે કે, ગુજરાતના ૨૫૧ તાલુકાઓમાં ૧૦૦૦ મીમી વરસાદ થઇ ચુક્યો છે ત્યારે ૩૯માં ૫૦૧-૧૦૦૦ મીમી વરસાદ થયો છે.

Previous articleસૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદ અને ટ્રાન્સપોર્ટની હડતાળ, શાકભાજીના ભાવમાં વધારો
Next articleમહિસાગરમાં મકાન ધરાશાયી : ૨ના મોત