શાહિદ કપૂરના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેની કિસ્મત બૉલીવૂડમાં ચમકી રહી હોય એવું લાગે છે. એમાંય વળી હવે તો તે બીજા બાળકનો પિતા બનવા જઇ રહ્યો છે. એક પછી એક ફિલ્મોની ઓફર તેને મળતી જાય છે અને કારકિર્દીની ગાડી આગળ વધતી જાય છે એવું લાગી રહ્યું છે. હાલમાં શાહિદ તેની આગામી શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ સાથેની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં ખુશખબર આવી છે કે શાહિદે ઝી સ્ટુડિયો સાથે એક નહીં બે નહીં પણ ત્રણ ફિલ્મો એક સાથે સાઇન કરી છે. ફિલ્મી કાનાફૂસી અનુસાર જાણવામાં આવ્યું છે કે પ્રોડક્શન કંપની થોડા સમય બાદ આ બાબતે સત્તાવાર ઘોષણા કરશે.
શાહિદની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ પહેલા ૩૧મી ઑગસ્ટે રિલીઝ થવાની હતી, ત્યારબાદ ૧૪મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. હવે નિર્માતા દ્વારા ૨૧મી સપ્ટેમ્બરની તારીખ ફિલ્મ રિલીઝ માટે ફાઇનલ કરવામાં આવી છે. આ જ દિવસે અભિષેક બચ્ચન, તાપસી પન્નુ અને વિકી કૌશલ સ્ટારર ‘મનમર્ઝિયા’ પણ રિલીઝ થવા જઇ રહી છે. તેથી શાહિદ અને અભિષેકની ટક્કરમાં બાજી કોણ મારે છે એ જોવું રહ્યું.