વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આગામી તા. ૯મી અને ૧૦મી ઑક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તેમ જ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ગુજરાત પોલીસ વડા સાથે બેઠક યોજીને ટીમ દિલ્હી પરત ફરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે, જેના સંદર્ભે નવી મતદાર યાદીઓ પણ તૈયાર થઈ ગઈ છે. તમામ જિલ્લા ચૂંટણી તંત્રને પણ સજ્જ કરાઈ દેવાયો છે. ચૂંટણીના અન્ય પાસાઓને આવરી લેતા સમગ્ર એકશન પ્લાનને અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર એ. કે. જોતિ (ગુજરાત કેડરના નિવૃત્ત આઈએએસ ઓફિસર), તેમની સમગ્ર ટીમની સાથે ૯-૧૦મીના બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. તેમના દિલ્હી પરત ગયા બાદ ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી માટેની તારીખોની સત્તાવાર જાહેરાત કરાશે.
૯મીની સવારે ૧૦ વાગે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ આવી પહોંચશે. તેઓ પ્રથમ દિવસે ભાજપ-કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે બેઠકો યોજશે, જેમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષોની તમામ પ્રકારની રજૂઆતો તેઓ સાંભળશે. તેમના કોઈ પ્રશ્ર્નો હશે કે તેમને કોઈ બાબતે શંકા હશે તો તેની રજૂઆત પણ તેઓ સાંભળશે અને તેનો યોગ્ય ઉકેલ લાવશે, જ્યારે બીજા દિવસે તેઓ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ કમિશનરો સાથે બેઠક યોજીને જિલ્લા તંત્રની તૈયારીઓની વિગતોથી વાકેફ થશે. પોલીસ કમિશનરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળીને મત-વિસ્તાર પ્રમાણે ક્રિટિકલ બૂથોની યાદી મેળવશે.