સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દેશની વિશ્વસનીય ટપાલ અને સંદેશા વ્યવહાર માધ્યમ મનાય છેં. આધુનિક યુગમાં કુરિયર સેવાઓના વ્યાપ્ત વચ્ચે પણ આજે સરકારી ટપાલ વિભાગ ભરોસાપાત્ર મનાય છેં ત્યારે ટપાલ વિભાગને લાંછન લાગે તેવી ઘટના ડીસાના ઓઢવા ગામે બહાર આવી છે.
બનાસકાંઠામાં ડીસા તાલુકાના ઓઢવા ગામના ટપાલીની વિચિત્ર કહી શકાય તેવી હરકતો સાથેની બેદરકારી બહાર આવી છેં. અને આ ટપાલીએ ત્રણ વર્ષ સુધી આવેલી ટપાલો વહેંચ્યા વિના પડી રાખી ગામના લોકોના અનેક કામો ખોરંભે પડ્યા છે.
ડીસા તાલુકાના ઓઢવા ગામે એક પોસ્ટમેનની ગંભીર બેદરકારી સામે આવી છે આ પોસ્ટમાસ્ટરે છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાંથી આવતી ટપાલો ગામના લોકોને વહેંચ્યા વિના સંતાડી રાખી હતી. જોકે ગામના લોકોને વર્ષોથી તેમની ચેકબુકો, આધાર કાર્ડ, ઇંટરવ્યૂ કોલ લેટર, પગારબિલ, પત્રો અને રજીસ્ટરો ન મળતા ટપાલી પાદજી પરમાર પર શક ગયો હતો. જે બાદ ગામની જર્જરિત પોસ્ટ કચેરીએ તપાસ કરતા આ ટપાલો અનેક કોથળામાં સંતાડેલી મળી આવતા આખું ગામ ચોંકી ઊઠ્યું હતું. જોકે ભાંડો ફૂટતા ટપાલી ભાગી છૂટ્યો હતો. ગામ લોકોએ આ ટપાલીની બેદરકારી સામે રોષ ઠાલવી તેની વિરુધ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી હતી.