જિલ્લામાં ચોમાસાનાં ખરીફ વાવેતરમાં ૨૫ હજારથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર થયુ છે. આગોતરા વાવેતર પાક પર આવી જતા કપાસ ઉતારવાનું શરૂ થઇ ગયુ છે. ત્યારે માણસા ખેતીવાડી ઉત્પન બજાર સમિતી દ્વારા શુક્રવારથી કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ૧૦૦૧નો ખુલતો ભાવ જાહેર થતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે.
પ્રથમ દિવસે ૫૦૦ મણ જેટલો કપાસ એપીએમસીનાં ઠલવાયો હતો. ચૂંટણી પુર્વે કપાસનાં પોષણક્ષમ ભાવથી ખેડુતોની ખુશી સરકારને પણ ફાયદો કરાવે તેવી શકયતા વ્યક્ત થઇ રહી છે. અને ખેડૂતોને સારા ભાવ મળી રહેશે તેવી આશા ઉભી થઈ છે
દરરોજની ૨૫ હજાર મણની આવક શરૂ થશે તેવુ લાગી રહ્યુ છે
માણસા એપીએએમસીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર યાર્ડમાં શુક્રવારે સવારે બજાર ખુલતા એપીએમસી ચેરમેન મહેશભાઇ પટેલ અને વેપારી એસો.નાં ચેરમેન કનુભાઇ પટેલ સહિતનાં આગેવાનોની હાજરીમાં કપાસની હરાજીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેની કપાસ પકવતા ખેડુતો નવરાત્રીથી રાહ જોઇ રહ્યા હતા. ખરીદી ખુલતા જ ખેડુતો મોટી સંખ્યામાં માલ લઇને આવી પહોચ્યા હતા અને હરાજીનાં પ્રથમ દિવસે જ ૧૦૦૧ રૂપીયાનો ભાવ બોલાતા ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જેમાં ૫૦૦ મણ જેટલા કપાસની હરરાજી થઇ હતી.
એપીએમસીનાં વેપારી એશો.નાં ચેરમેન કનુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે પ્રથમ દિવસ જે ૫૦૦ મણની આવક સાથે સારો ભાવ ખુલ્યો છે. શનિવારે પણ એજ ભાવ જળવાઇ રહ્યો છે. જેનો લાભ ખેડુતોને થશે અને આગામી દિવસોમાં પણ પ્રતિવર્ષની જેમ રોજની ૨૫ હજાર મણની આવક શરૂ થશે તેવુ લાગી રહ્યુ છે. જયારે માણસામાં અન્ય સેન્ટરો કરતા ભાવ વધારે મળતા હોવાથી અન્ય તાલુકાનાં ખેડુતો પણ માણસામાં વેચાણ કરવા આવે છે.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં માણસા તાલુકામાં ૯૪૮૭ હેક્ટર, ગાંધીનગર તાલુકામાં ૫૯૪૯ હેક્ટર, કલોલ તાલુકામાં ૨૦૬૬ હેક્ટર તથા દહેગામ તાલુકામાં ૬૨૦૦ હેક્ટરમાં કપાસનું વાવેતર ખેડુતો દ્વારા કરાયુ છે. ત્યારે માણસા તાલુકો કપાસનાં વાવેતરમાં પણ મોખરે છે.