તળાજા તાલુકાના બોરડા ગામે વીજ ચેકીંગ અર્થે આવેલ અધિકારીઓ લોક રોષનો ભોગ બન્યા હતા અને ચેકીંગ વિના વિલા મોએ પરત ફર્યા હતા.
છેલ્લા ૧૫ દિવસથી બોરડા ગામે વિજ પુરવઠો ખોરવાયેલો હોય એવા સમયે વિજ સપ્લાય પૂર્વવત કરવાના બદલે જિલ્લાની પીજીવીસીએલની ટીમ વહેલી સવારે વીજ ચોરી ઝડપી લેવા દોડી ગઈ હતી એ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકટા થતા અધિકારીઓ સાથે ગ્રામજનોએ ઉગ્ર સંવાદ શરૂ કર્યો હતો લોકોએ જણાવ્યું કે ગામમાં પુર આવ્યે ૧૫ દિવસ થયા હજુ સુધી વીજ પુરવઠો શરૂ કરવામાં નથી આવ્યો રજુઆત કરવા જઈએ ત્યારે ઉડાઉ જવાબ આપી જણાવે છે કે સ્ટાફ નથી ગાડી નથી સાધનો નથી જેવા શુલ્લુક જવાબો આપે છે તો વીજ ચેકીંગ માટે સ્ટાફ, અને મસમોટો કાફલો તથા ગાડીઓ કયાથી આવે છે ? ગ્રામજનોના સવાલથી અધિકારીઓ ડઘાઈ ગયા હતા ત્યારબાદ કેટલાક વ્યક્તિઓએ દરમિયાનગિરી કરી મામલો થાળે પાડ્યો હતો અને જણાવ્યું કે વીજ ચોરી અટકાવવા કામગીરી કરે એ બરાબર છે પરંતુ ૧૫ દિવસથી વિજળી વિહોણા લોકોને લાઈટતો આપો પછી દરોડા પાડો આથી અધિકારીઓ ચેકીંગ કર્યા વિના વિલા મોંએ પરત ફર્યા હતા.