શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ એક ખાનગી શાળામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રૂબેલાની રસી બાળકોને આપ્યા બાદ ૫ વિદ્યાર્થીઓની તબીયત બગડતા તત્કાલ સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં આવેલ તમામ સરકારી તથા ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને રૂબેલા રસીકરણથી રક્ષીત કરાવનો કાર્યક્રમ એક સાથે શરૂ કર્યો છે. આ રસીકરણનો ઉદ્દેશ્ય કોઈ પણ બાળક ભવિષ્યમાં કોઈપણ રોગના સંક્રમણથી બચાવી શકાય તે માટે રૂબેલાની રસી આપવામાં આવી રહી છે. પરંતુ રૂબેલાની રસી આપ્યા બાદ રાજ્યના અલગ-અલગ શહેરોમાં ગામડાઓમાં કેટલાક વિદ્યાર્થીઓની તબીયત કથળતી હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.માત્ર એટલુ જ નહી પરંતુ દક્ષિણ ગુજરાતમાં એક સગીરાનું રસીકરણ બાદ તબીયત બગડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનું અહેવાલ પણ સાંપડ્યો છે. ત્યારે વાલીઓ તથા શાળા સંચાલકો અને તંત્ર ખુદ વેકસીનની સાઈડ ઈફેક્ટને લઈને મુંજવણમાં છે ત્યારે આજરોજ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ કામીનીયનગર સ્થિત શ્રી રામ પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા રૂબેલા રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતા અંદાજે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી જે આપ્યા બાદ બપોરના સમયે ધો. ૭માં અભ્યાસ કરતા અજય મહાશંકરભાઈ જોષી ઉ.વ.૧૪ અને ધો. ૮માં અભ્યાસ કરતી નિર્જરા ઘનશ્યામભાઈ ગોહિલ ઉ.૧૩ અને અન્ય એક વિદ્યાર્થીને શારિરીક અસ્વસ્થતા અનુભવી હતી જેમા ચક્કર આવવા ઉલટી થવી સાથો સાથ શ્વાસ ચડવો, હાથ, પગમાં દુઃખાવો થવાની ફરિયાદ શિક્ષક ગણને કરતા શાળા સંચાલકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી તથા તત્કાલ સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તબીબો દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે શાળાના અન્ય બાળકો, વાલીઓમાં ભયનો માહોલ છવાયો હતો. સારવાર અર્થે ખશેડવામાં આવેલ બાળકોની તબીયત સુધારા પર હોવાનું તબીબો દ્વારા જણાવાયુ હતું.
જમણવાવનો બાળક ૭ દિવસથી સારવારમાં
પાલિતાણા તાલુકાના જમણવાવ ગામે આવેલ વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામમાં ભાગ રાખી જીવન નિર્વાહ ચલાવતા મૂળ પંચમહાલ જિલ્લાના વતની રણજીત રાઠવાનો ૭ વર્ષિય પુત્ર શિવમ આ ગામની શાળામાં અભ્યાસ કરે છે. આ બાળકને સાત દિવસ પૂર્વે શાળામાં રૂબેલાની રસી આપવામાં આવી હતી ત્યારબાદ બાળકની તબીયત લથડતા પ્રથમ પાલિતાણા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
૨૪ કલાક માટે બાળકો તબીબી નઝર હેઠળ રહેશે
રૂબેલા રસીકરણ બાદ બિમાર બનેલ બાળકોની સારવાર કરી રહેલ ડોકટરના જણાવ્યા અનુસાર કયા કારણોસર તબીયત કથળી છે તે હજુ સ્પષ્ટ પણે જાણી શકાયુ નથી ભૂખ્યા પેટે રસી લીધી હોય અથવા રસીના હાઈડોઝની અસર છે કે કેમ તે રીપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે હાલ તમામ બાળકોને ૨૪ કલાક માટે અમારી નઝર હેઠળ રાખવામાં આવશે.
શાળા સંચાલકો દ્વારા પ્રકરણ દબાવી દેવા પ્રયાસ
રૂબેલા રસીકરણ બાદ તેની આડ અસર થતા શ્રીરામ શાળાના સંચાલકો મુંજળણમાં મુકાયા હતા સમગ્ર બનાવ અંગે શાળાના પ્રિન્સીપાલ મિતાલીબેન પનોતને ઘટના અંગે પુછતા તેમણે સમગ્ર પ્રકરણને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રથમ સારી વિગત આપવાનો ઈન્કાર કર્યો એ જ રીતે જિલ્લા આરોગ્ય વિભાગ તથા સર, ટી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર પ્રકરણે વિગત આપવાનું ટાળ્યુ હતું.