સુરતના નાનાવરાછાની યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં સુરત પોલીસે ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીને સીઆરપીસી ૧૬૦ મુજબ સમન્સ પાઠવ્યું છે. દુષ્કર્મ સહિતના સંગીન આરોપોથી ઘેરાયેલા પૂર્વ ધારાસભ્યને નિવેદન નોંધાવવા હાજર રહેવા પોલીસે ફરમાન ફર્યુ છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જંયતિ ભાનુશાળી વિરુદ્ધ બળાત્કારના આરોપોને સુરત પોલીસ જંયતિ ભાનુશાળીની શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂગર્ગમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો પ્રમાણે ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને અબડાછાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ સુરતની ૨૧ વર્ષીય યુવતી પર રેપ ગુજાર્યો હતો. ફેશન ડિઝાઇનિંગમાં એડમિશનની લાલચ આપી પીડિતા સાથે કુકર્મ કર્યુ હતુ. આ કેસમાં સરથાણા પોલીસમાં ભાનુશાળી અને તેમના સાગરિતો સામે ગુનો દાખલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીસીપી (ઝોન ૪) ડો.લીના પાટીલ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતુ તેમજ પીડિતાના ઘરનું પણ પંચનામું કર્યુ હતુ. આ કેસમાં પીડિતાને જયંતિ ભાનુશાળીનો રેફરન્સ આપનાર પ્રિયા મહેરા નામની યુવતીનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
દરમિયાન પીડિતાનું નિવેદન નોંધી લીધા બાદ હવે પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૃપે સીઆરપીસી ૧૬૦ મુજબ ભાનુશાળીને સમન્સ પાઠવ્યું છે. ભાનુશાળીને પોતાનો પક્ષ રજૂ કરવા કહો કે નિવેદન નોંધાવવા પોલીસે સમન્સ થકી હાજર રહેવા ફરમાન કર્યુ છે. વધુમાં ચર્ચાસ્પદ આ કેસમાં પોલીસ એેવિડન્સ એકત્ર કરવા દોડધામ કરી રહી છે. પૂરતા પૂરાવા મળ્યા બાદ પોલીસ ભાનુશાળીની ધરપકડ કરશે.
સરથાણા પોલીસની એક ટીમ પીડિતાને લઇ અમદાવાદ પહોંચી હતી. અહીં એરપોર્ટ પાસે આવેલી ઉમેદ હોટલમાં ભાનુશાળીએ બ્લેકમેલ કરી પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો. વળી, હોટલમાં પીડિતાના ફોટાં અને ખોટાં નામ સાથેનો આધારકાર્ડ પણ રજૂ કર્યો હતો. પોલીસે આ હોટલમાં જઇ તપાસ કરી જરૃરી પૂરાવા મેળવ્યા હતા. આ ઉપરાંત, અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર રોડ સાઇડે ખેતરમાં કારમાં ભાનુશાળીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. ભાનુશાળીના સાગરિતોએ પીડિતાનો અશ્લીલ વીડિયો પણ અહીં બનાવ્યો હતો. પોલીસે આ સ્થળે પણ જઇ તપાસ કરી પંચનામું કર્યુ હતુ.
સુરત શહેર પોલીસ કમિશ્નર સતિષકુમાર શર્માએ જણાવ્યું કે, સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મનો જે કેસ નોંધાયો છે તેમાં સરથાણા પોલીસ ડીસીપી લીના પાટીલના સુપરવિઝન હેઠળ તટસ્થપણે તપાસ કરી રહી છે. આ કેસ થોડો જૂનો છે એટલે હાલ પૂરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કેસમાં ન્યાયિક કાર્યવાહી કરાશે.