ટ્રાન્સપોર્ટરોની હડતાલથી રોજનું ૪૦૦૦ કરોડનું નુકશાન

2890

ચાર દિવસથી ગુજરાત સહિત દેશભરમાં ટ્રાન્સપોટરો હડતાળ પર છે. ટ્રાન્સપોર્ટરોને એક અંદાજ મુજબ રોજનું રાજ્યમાં ૪૦૦૦ કરોડથી વધુનું નુકસાન જઇ રહ્યું છે. તેની સાથેસાથે અન્ય વેપાર ઉદ્યોગો ઉપર પણ હવે તેની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે ઉદ્યોગજગતને હજારો કરોડનું નુકસાન થઇ રહ્યું છે, તો, તેની સીધી અસર સામાન્ય જનજીવન અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો પર પણ પડી રહ્યા છે. બીજીબાજુ, સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહી મળતાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત્‌ રહી છે, જેને લઇ વાતાવરણ ભારે ગરમાયું છે. છેલ્લા ચાર દિવસથી ટ્રાન્સપોર્ટર્સની હડતાળના કારણે કાચોમાલ નહી આવવાના કારણે તથા તૈયાર માલનો સપ્લાય બંધ થઇ જવાના કારણે કાપડ બજાર, કેમિકલ સહિત અન્ય વેપાર ઉદ્યોગો ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમોને તેની સીધી અસર જોવા મળી છે. આ એકમોમાં કાચામાલની અછત બીજી બાજુ તૈયાર માલના સપ્લાય બંધ થઇ જવાના કારણે તેઓને મોટું આર્થિક નુકસાન જઇ રહ્યું છે. કાપડ સેક્ટરના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે માલનું પરિવહન બંધ થઇ જવાના કારણે કાપડ બજારને અમદાવાદ અને સુરતમાં એક અંદાજ મુજબ રૂ. ર૦૦ થી ૪૦૦ કરોડની ડિલિવરી અટવાઇ ગઇ છે. અને તેના કારણે વેપારીઓને મોટું નુકસાન થઇ રહ્યું છે.  રાજ્યમાં વિટ્રિફાઇ ટાઇલ્સ સહિત સેનેટરીવેરનું મોટાપાયા પર ઉત્પાદન થાય છે. ટ્રાન્સપોર્ટરોની હડતાળના કારણે આ ઉત્પાદકોનો માલ અટવાયો છે અને તેના કારણે ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવી પડી રહ્યું છે. એટલું જ નહીં વટવા, નરોડા, રખિયાલ, નારોલ જીઆઇડીસીમાં પણ નાના અને મધ્યમ કદના એકમોનો તૈયાર માલનું પરિવહન નહીં થવાના કારણે ગોડાઉનમાં છેલ્લા ચાર દિવસથી માલ જમા થઇ રહ્યો છે. વેપાર ઉદ્યોગના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ ગુજરાત સહિત દેશમાં ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝને ર૦ હજાર કરોડથી વધુનું નુકસાન જઇ રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક રીતે અગ્રણી રાજ્ય છે. કાપડ સહિત કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરમાં રાજ્યનો મોટો વેચાણ હિસ્સો છે. ટ્રાન્સપોર્ટ સેકટરની હડતાળને કારણે કરોડોનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આજે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા દેખાવો-રેલીના કાર્યક્રમો પણ યોજાયા હતા.

Previous articleનેશનલ જીડીપીમાં ગુજરાતનું ૭.૬ ટકા યોગદાન : મુખ્યમંત્રી
Next article૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો