ગાંધીનગર કોર્પોરેશન તેમાંથી પણ કોઈ શીખ લેતું નથી. પાટનગરના રસ્તાઓ પર રખડતાં ઢોરોની સંખ્યા દિનપ્રતિદિન વ ધી રહી છે. આયે દિન રખડતાં ઢોરો લોકોને શીંગડે ભરાવીને પછાડી રહ્યા છે પરંતુ મ્યુનિ તંત્રના પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. જયાં રસ્તા પર ઢગલો ઢોર ઉતરી આવ્યા છે તેવામાં કોર્પોરશનની ઢોર પક્કડ ટીમ દ્વારા દૈનિક માંડ ૧૦થી ૧૫ ઢોરોને જ પકડવામાં આવી રહ્યા છે. નિંભર તંત્ર હજુ લોકોનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનની સત્તાધારી પાંખ અને વહીવટી પાંખ બંનેને હાઈકોર્ટે ઝાટકવાની જરૂર છે. ત્યારે જ છેક જઈને રહીશોને સારી અને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકશે.
ચોમાસુ આવતાં જ રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે. શહેરનો ‘ઘ’ માર્ગ વહીવટી માર્ગ તરીકે ઓળખાય છે. આ રોડ પર ટ્રાફિકનુ ભારણ વધુ છે. તેની સાથે રખડતાં ઢોર પણ બિન્દાસ્ત રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ફરતા દેખાય છે. જ્યારે ઢોરના ટોળાં રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે વાહનચાલકોને સ્વયંભુ જ ઉભા રહી જવું પડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રખડતાં ઢોરોની ઢીંકથી ઘાયલ થયા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. બાઈક પર પોતાના પતિની પાછળ બેઠેલી મહિલા પર એકાએક ક્યાંકથી ગાય આવીને કુદી પડી જેના કારણે મહિલા નીચે પડી ગઈ અને હેમરેજ થઈ ગયું હોવાની વિગત સામે આવી છે. અત્યારે આ મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહી છે. તેવી જ રીતે હજુ તે પરિણીતા પોતાનો ખોળો ભરીને પિયર ગઈ છે ત્યાં તેનો પતિ રસ્તે જતાં ભેંસોના ટોળાની અડફેટે આવી ગયો અને અત્યારે તે ગંભીર છે. બાઈકને રખડતી ગાયે ઉડાડી જેના કારણે મહિલા નીચે પડી અને આખા શરીરે ઈજાઓ પહોંચી છે.
ઢોર પકડના ૧૦ કર્મચારીઓ જુગાર રમતા પકડાઈ જતાં આ તમામને કોર્પોરેશન દ્વારા છુટા કરી દીધા બાદ ચોમાસાને ધ્યાને રાખીને હાલમાં ૩૦ નવા કર્મચારીઓને આઉટસોર્સથી ભર્યા છે. બે સીફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. દૈનિક ૧૦થી ૧૫ ઢોર પકડવામાં આવતા હોવાનો દાવો મ્યુનિ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ એક રીતે જોવા જઈએ તો શહેરની સ્થિતી ગંભીર છે. ઢોર પકડવાનું કામ ચાલ રહ્યું હોવાનું જણાવાય છે જ્યારે હકીકત એ છે કે શહેરના મુખ્ય માર્ગો પર જ આરામથી પશુઓ પોતાના ટોળાં ફરી રહ્યા છે.
સ્થાયી સમિતી જો કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ, ટાઉનપ્લાનીંગ, જન્મ-મરણ નોંધણી, ફુડ સહિતની શાખાઓની કામગીરીની સમીક્ષા કરી શકે છે તો પછી અત્યારે જ્યારે શહેરીજનોનો જીવ રખડતાં ઢોરોને લઈને ખતરામાં પડયા છે ત્યારે ઢોર પકડવાની કામગીરીની પણ સ્થાયી સમિતી દ્વારા સમીક્ષા કરવામાં આવવી જોઈએ. ડિવાઈડર પરથી ઢોર અચાનક જ રોડ પર ઉતરી આવે છે અને વાહનચાલકો પર જોખમ ઉભું થાય છે. જેના નિવારણના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ઘ અને ચ માર્ગ પર ચેઈનલીંકની ફેન્સીંગ કરવામાં આવનાર છે. જે માટે અંદાજે ચારેક કરોડનો ખર્ચ પણ થનાર છે. પણ ક્યારે આ કામ શરૂ થશે તે સ્થાયી સમિતીની નિષ્ઠા પર વધુ આધાર રાખે છે. એજન્સીને ઝડપથી ચ-૦ અને ઘ-૦થી કામગીરી શરૂ કરવા સુચના આપવી જોઈએ.