ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે માણસા તાલુકાના લાકરોડા ગામ પાસે બાંધેલા વિયરમાંથી પાણી છોડવાનું ચાલુ કરાયાના પગલે આ પાણી આખરે સંત સરોવર સુધી આવી પહોચ્યું છે.
૫૦૦ ક્યુસેક પાણીની આવકની સામે સંત સરોવરના ૩ દરવાજા ખોલી નાખીને દરરોજ ૪૦૦ ક્યુસેક જેટલુ પાણી સાબરમતી નદીમાં છોડવાનું સુરક્ષાના કારણસર ચાલુ કરી દેવાયું છે.
ગાંધીનગરના એકમાત્ર એવા ૫૫.૫૦ મીટરની ઉંચાઇ ધરાવતા સંતસરોવરની સંગ્રહ ક્ષમતા ૪.૫૦ લાખ ક્યુસેક પાણીની છે. હાલમાં તે ક્ષમતાની સામે ૫૮ ટકા સુધી ભરેલો છે અને વરસાદ અને ઉપરવાસના પાણીની સ્થિતિ ચાલુ રહેશે તો સપાટી વધતી રહેશે. જો કે ડેમને ચોમાસુ ઉતરવા સમયે ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કક્ષાએ ભરવામાં આવશે. ત્યાં સુધી જરૂરત પ્રમાણે પાણી છોડવાનું ચાલુ રખાશે.
ગાંધીનગરમાં પાણી માટે આંદોલન થયા બાદ ૨૦૦૨ના વર્ષમાં પાટનગરની જીવાદોરી તરીકે જે યોજનાની જાહેરાત થઇ હતી, તે સંત સરોવર છેલ્લા ૨ ચોમાસાથી છલકાઇ જાય છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ડેમ છલકાઇ શકે છે.
૩ વર્ષ સતત પાણી ભરેલુ રહેવા પછી આ યોજના ઉપયોગી સાબિત થશે. તેનો લાભ ગાંધીનગર શહેર ઉપરાંત આસપાસના ગામ બોરિજ, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, શાહપુર અને ધોળાકુવાના ખેડૂતો અને વસાહતીઓને મળશે. કેમ કે ડેમનો કેચમેટ એરિયા ૧૨ કિલોમીટર જેટલો લાંબો રહેશે.
ઉપરવાસમાં વરસાદ થતા એક વર્ષથી સૂકી ભઠ બનેલી સાબરમતીમાં નવા નીર આવતા રમણીય દ્રશ્ય સર્જાયું છે. નર્મદાના પાણી શહેરમાં હાલ અપાય છે. તે પહેલા ૫૩ બોરચલાવીને પાણી અપાતા હતાં. સૌથી મહત્વના બોર સાબરમતીના પટ્ટમાં છે, તે ફ્રેન્ચ વેલમાં ભૂગર્ભ જળ ૨૫ ફૂટ ઉંચા આવી ગયા છે. હવે નવેસરથી પાણીની આવક ચાલુ થવાથી ભૂગર્ભ જળની સમૃદ્ધિ વધશે.