લોકોના પ્રિય એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાવનગરની બજારમાં આજે રવિવારથી દિવાળીની ગીર્દીનો પ્રારંભ થતા અને લોકો દ્વારા ખરીદી શરૂ થતા વેપારીઓના મોં પર જાણે કે ચમક આવી હોય તેમ વેપારીઓ ખુશખુશાલ થયા છે અને આવી જ ઘરાકી દિવાળીના દિવસ સુધી શરૂ રહેશે તેવું મનાઈ રહ્યું છે.
નોટબંધી, જીએસટી, મંદી અને મોંઘવારી વચ્ચે છેલ્લા કેટલાયે સમયથી વેપારીઓ ઘરાકીના અભાવે નવરાધૂપ બની રહ્યાં હતા પરંતુ છેલ્લા એકાદ અઠવાડીયાથી બજારમાં કપડા, સોના-ચાંદી, ચપ્પલ-બુટ સહિતની ખરીદી શરૂ થયેલ. જ્યારે કર્મચારીઓને પગાર તથા બોનસ આવી ગયું હોય અને દિવાળીને હવે ગણતરીના દસેક દિવસ બાકી રહ્યાં હોય આજે રવિવારે રજાના દિવસે પણ સવારથી જ બજારમાં લોકોની ભીડ થતા અને દુકાનો પર ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી છવાઈ છે.
દિવાળીના તહેવાર માટે લોકો કપડા, સુશોભન વસ્તુઓ, કટલેરી, બુટ-ચપ્પલ, સોના-ચાંદીના દાગીના, ઈમીટેશન જવેલેરી, ડેકોરેશનની આઈટમો, રંગોલી સહિતની ખરીદી શરૂ કરાઈ છે. જો કે લોકો દ્વારા દિવાળીના અંત સુધી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ભીડ રહેશે. જેના પગલે બજારમાં દિવાળીની રોનક શરૂ થવા પામી છે.