ભાવનગર શહેરના રીંગરોડ પર આવેલ હિમાલીયા મોલ પાસે ખોદકામ વેળાજમીનમાંથી પસાર થતી ગેસલાઈન તૂટતા મોટાપ્રમાણમાં ગેસનો રીસાવ શરૂ થયો હતો.
શહેરના જવેર્લ્સસર્કલથી કાળીયાબીડ પાણીની ટાંકી તરફ જવાના રોડ પર આવેલ હિમાલીયા મોલ પાસેના રીલાઈન્સ પેટ્રોલ પંપ પાસે એક ખાનગી કંપની દ્વારા અર્થીંગ માટે જમીનમાં ડ્રીલીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમ્યાન જમીનની નીચેથી પસાર થતી ગૃહ વપરાશ માટેના ગેસનું વહન કરતી એલપીજી ગેસની લાઈન તૂટતા ભારે પ્રેશર સાથે ગેસનો રીસાવ શરૂ થયો હતો. જેને પગલે ડ્રીલીંગ કરી રહેલ લોકો કામ છોડી નાસી છુટયા હતાં. પ્રચંડ વેગ સાથે વછુટતા ગેસને કારણે વાતાવરણમાં તીવ્ર ગંધ ફેલાઈ હતી. પરિણામે આસપાસના લોકો પણ સલામતીના ભાગરૂપે દુર ચાલ્યા ગયા હતાં. આ બનાવની જાણ પોલીસ તથા ફાયર બ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ગુજરાત ગેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા કંપનીનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે સલામતીના ભાગરૂપે એક તરફનો રોડ બંધ રાવ્યો હતો તો બીજી તરફ કંપનીના ટેકનીશ્યનોએ લાઈનમાં વહેતા ગેસ પ્રવાહને બંધ કરાવી યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યુ હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો.