બગદાણામાં ગુરૂપુર્ણિમાની તડામાર તૈયારીઓ

3014

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આગામી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. તા.ર૭ને શુક્રવારના રોજ આ મહોત્સવમાં લાખ્ખો ભાવિક ભક્તજનો સામેલ થશે. પ્રતિવર્ષની જેમ લાખો શ્રધ્ધાળુજનોની સામેલગીરી સાથે બાપાના ધામ બગદાણામાં ધન્યતાપૂર્વકની ઉજવણી ભક્તિમય વાતાવરણની વચ્ચે ગુરૂપૂનમ ઉજવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આખરીઓપ આપવા માટે ગુરૂ આશ્રમ બગદાણા ખાતે હજારો સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

ભોજન પ્રસાદ માટેના રસોડા વિભાગ તેમજ પાર્કિંગ, દર્શન તથા સમગ્ર આશ્રમ પરિસરમાં સ્વયંસેવક બહેનો તેમજ ભાઈઓ ખડેપગે સેવા બજાવશે. અષાઢ સુદ-૧પ (પૂર્ણિમા)ના આ પાવન દિવસના ગુરૂઆશ્રમ-બગદાણા ખાતેના ઘોષિત થયેલા ધાર્મિક કાર્યક્રમોમાં વહેલી સવારના પ કલાકે મંગળા આરતી થશે. ૭-૧પ કલાકે ધ્વજાજીના પૂજન, ૮-૧પ કલાકે ધ્વજારોહણ તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજન સવારે ૮-૪પ થી ૧૦-૦૦ કલાક દરમિયાન યોજાશે. પ્રસાદ વિતરણ સવારે ૧૦-૦૦ કલાકથી અવિરત શરૂ રહેશે. બાપા સીતારામના નાદ સાથે સૌ ભાવિકો આ કાર્યક્રમોમાં જોડાશે.

વર્ષા ઋતુ હોવાથી રાત્રિ રોકાણ બંધ છે તેમજ ભજન સંધ્યા કે સંતવાણીના રાત્રિ કાર્યક્રમો બંધ રાખેલ છે. આજરોજ મંગળવારે બગદાણા ગુરૂઆશ્રમ ખાતે સરકારી અલગ-અલગ વિભાગોના વડા તેમજ ટ્રસ્ટીઓ સાથે બેઠક મળી હતી.

જેમાં ડે.કલેક્ટર મહુવા, પોલીસ વિભાગ, એસ.ટી. બસ વિભાગ, વિજળી વિભાગ, બ્લોક હેલ્થ મેડિકલ ઓફિસર, નાયબ કા.પા. ઈજનેર સહિતના વિભાગો સાથે કાર્ય સંકલન સાથે આગોતરૂ આયોજન થયું હતું. ગુરૂ પૂનમના દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સ, એક ફાયર ફાયટર સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત આશ્રમમાં સેવા આપતા સ્વયંસેવકો અલગ-અલગ વિભાગોમાં સેવા બજાવશે.

Previous articleખાડીમાં ન્હાવા પડેલ યુવાન લાપતા
Next articleધો.૯ થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય