કોંગ્રેસ પાર્ટી હંમેશા વેરઝેરનું વાવેતર કરે છે : ભરત પંડ્યા

1073

ભાજપની આજે કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પુરપીડિત વિસ્તારોમાં અવિરત સેવા તથા સક્રિય કામગીરી બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપના કાર્યકરોની પ્રશંસા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા અને મહાનગરના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા. ભરત પંડ્યાએ કોંગ્રેસના ગો ટુ પીપલ કાર્યક્રમને નાટક તરીકે ગણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસને પ્રજા સાથે, પ્રજાના પ્રશ્નો સાથે કે સેવાકીય કાર્યોમાં કોઇ રસ નથી. કોંગ્રેસ ગો ટુ પીપલ નહીં પરંતુ ગો ટુ દ ૧૦ જનપથ પાર્ટી છે. ૧૦ જનપથ સોનિયા ગાંધીનું નિવાસસ્થાન છે. કોંગ્રેસ માત્ર નેતાઓની પાર્ટી છે. સમગ્ર કોંગ્રેસનો એજન્ડા પ્રજાની સેવાના બદલે માત્ર ગાંધી પરિવારની આસપાસનો રહેલો છે. સેવાકીય કાર્યો અથવા તો કાર્યકરો સાથે તેમને કોઇ લેવાદેવા નથી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે રાજ્યમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ગતિવિધિ ચાલી હતી. પ્રજા વિરોધી નીતિઓના કારણે પ્રજાએ કોંગ્રેસને ગેટ આઉટ ફ્રોમ દ પાવરનો મેન્ડેટ આપેલો છે. કોંગ્રેસ એક્શન મોડમાં નથી પરંતુ ડિસ્ટ્રીક્શન મોડમાં છે. ગુજરાતની જનતા હમેશા એન્ટી કોંગ્રેસ મોડમાં રહી છે. કોંગ્રેસ સત્તામાં નથી છતાં પણ સમાન્તર સરકાર બનાવવાની વાતો કરે છે જે બિનબંધારણીય, બિનલોકશાહી અને સત્તા લાલસાનું પ્રતિબિંબ છે. કોંગ્રેસે હમેશા વેરઝેરનું વાવેતર કર્યું છે. ભાજપે હમેશા સૌના સાથ સૌના વિકાસના મંત્ર અને લોકકલ્યાણકારી નીતિઓ સાથે વિકાસનું વાવેતર કર્યું છે. પંડ્યાએ પ્રદેશ બેઠકમાં થયેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના પુરપીડિતોને તંત્ર દ્વારા સમયસર મદદ પુરી પાડી જરૂરી રાહત સામગ્રી, સહાય તાત્કાલિક ધોરણે પહોંચાડવા તથા ખેડૂતોને થયેલા નુકસાન બદલ વળતર માટે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. નિયમિતરીતે યોજાતી આ બેઠકમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રજાકીય સેવા કાર્યો અને સંગઠનના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

Previous articleલીલાપુર ગામે ટીબી જન જાગૃતિ
Next articleમોનાર્ક સ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો