ગુજરાતમાં આજે પરિસ્થિતિ એવી છે કે, બાળક આઠમા ધોરણમાં પહોંચે તો પણ તેને વાંચતા-લખતા નથી આવડતું. આ પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારે મિશન વિદ્યા નામનુમ અભિયાન હાથ ધર્યુ છે. વિજય રૂપાણીએ ધોરણ ૬ થી ૮નાં વિદ્યાર્થીઓમાં લેખન, ગણન, વાંચનમાં સુધીરો થાય એ માટે રાજ્યના શિક્ષકોને મિશન વિદ્યા અભિયાનને મિશન મોડમાં ઉપાડી લેવા જણાવ્યું છે. રાજ્યમાં આગામી ર૬ જૂલાઇથી ૧ મહિના માટે શરૂ થઇ રહેલા ‘મિશન વિદ્યા’ના પ્રારંભ પૂર્વે શિક્ષક સજ્જતા અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ યોજી માર્ગદર્શન આપ્યું હતું.
રૂપાણી એ જણાવ્યુ કે, ગુણોત્સવના અભિયાનથી શાળાના બાળકોના શિક્ષણની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધાર આવ્યો છે, પરંતુ ધોરણ ૬ થી ૮ માં હજુ પણ એવા બાળકો છે જેમની લેખન, ગણન, વાંચનની ક્ષમતામાં વૃધ્ધિ કરવાની વિશેષ આવશ્યકતા છે. ધોરણ ૬ થી ૮નું એક પણ બાળક નબળું ન રહે અને ભવિષ્યની પેઢીનું શિક્ષણ ઘડતર અત્યારથી જ સુદ્રઢ બને તે માટે શિક્ષકના નોબેલ પ્રોફેશનની ગરિમા શિક્ષકોએ આવાં બાળકોની વિશેષ કાળજી લઇને ઉજાળવાની છે. તેમણે કહ્યું કે, રૂ.ર૭પ૦૦ કરોડના માતબર બજેટ સાથે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ, અદ્યતન સાધનો સરકારે ઉપલબ્ધ કરાવ્યા છે. આ બધાના સુચારૂ વિનિયોગ અને શિક્ષકોના સમાજદાયિત્વ ભાવથી શાળાએ આવતું દરેક બાળક પોતાનું છે એવો ભાવ દર્શાવી શિક્ષણક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાની સૌની સહિયારી જવાબદારી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાવો કર્યો છે કે, શાળા પ્રવેશોત્સવના અભિયાનમાં ગુજરાતે શાળાઓમાં ૭પ ટકાથી ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપ આઉટ ૩૭ ટકાથી ૩ ટકાએ પહોચાડયો છે. ગુણોત્સવથી બાળકોના શિક્ષણ સ્તરમાં જે સુધારો આવ્યો છે અને છ પ્લસ ગ્રેડની શાળાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેની ભૂમિકા આપતાં શિક્ષકોને હવે મિશન વિદ્યામાં પણ એ જ ઇન્વોલમેન્ટ અને કમિટમેન્ટથી જોડાવા હ્રદયસ્પર્શી અપિલ કરી હતી.