ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી નજીક મોડી સાંજે મારૂતીવાન અને બાઈકનો ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો મારૂતીવાનને કોઈ મોટા વાહને ટલ્લે માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. અકસ્માતમાં ધોળા બાઈક પર જઈ રહેલાં સસરા, જમાઈ અને બાળકને ઈજાઓ થતાં સસરાનું ઘટનાસ્થળે મોત નીપજવા પામ્યુ હતું. જ્યારે જમાઈ અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સાથે મારૂતીવાનના ચાલક અને અન્ય એકને ઈજાઓ થવા પામી હતી. બનાવ બનતાં સિહોર અને વલ્લભીપુર પોલીસ સ્ટાફ અને ૧૦૮ સેવા ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. એક કલાક સુધી હાઈવે ટ્રાફીક જામ રહ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ સિહોર તાબેનાં ભોજપરા ગામે રહેતાં બાબુભાઈ ગણેશભાઈ ચાવડા અને તેમના જમાઈ મુકેશભાઈ તથા કુલદીપ નામનો ૮ વર્ષનો બાળક બાઈક નં.જી.જે.બી.પી. ૯૪૯૫ લઈ ધોળા ગામે મરણના કામે જઈ રહ્યાં હતાં. તે વેળાએ ઘાંઘળી નજીક રાઘવ પેટ્રોલ પંપ પાસે પહોચતાં સામેથી આવી રહેલ હેર આર્ટનો સામાન ભરેલી મારૂતીવાન નં.જી.જે.૪ ડબલ્યુ ૭૧૦૬ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બાબુભાઈ ચાવડાનું ઘટના સ્થળે મારૂતીવાનમાં રહેલો હેરઆર્ટનો સામાન રોડ પર વેરવીખેર થઈ ગયો હતો.
ઘટના બનતાં હાઈવે પર ટ્રાફીકજામનાં દ્રશ્યો સર્જાયા હતા અને મુસ્લીમ સમાજનાં અગ્રણી આરીફભાઈ કાલવા ઘટનાસ્થળે પહોચતા તેમણે પોલીસને જાણ કરતાં સિહોર અને વલ્લભીપુર પોલીસ સ્ટાફનાં પી.એસ.આઈ. રીઝવી તથા વિહોલ સહિતનો સ્ટાફ ઘટનાં સ્થળે દોડી ગયો હતો. અને ૧૦૮ સેવા દ્વારા ઈજાગ્રસ્ત મુકેશભાઈ, કુલદીપ ઉ.વ.૮ અને મારૂતીવાનનો ચાલક તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કેસ કાગળો કરવાની અને મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં કોઈ મોટા વાહન ચાલકે મારૂતીવાનને ટલ્લો માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.