ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય, ભાવનગર તેમજ વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા અમદાવાદના બાપુનગરમાં હસ્તકલા સહયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજીત વિશેષ કાર્યક્રમમાં ડેવલપમેન્ટ કમિશ્નર હેન્ડીક્રાફ્ટ, અમદાવાદના આસીસ્ટન્ટ ડાયરેક્ટર કે.ધનરાજન, ગુજરાત રાજ્ય હસ્તકલા અને મહિલા ઉદ્યોગ સાહસિક સહકારી ફેડરેશનના ચેરમેન મનહરભાઈ પટેલ, સીવીલ ડીફેન્સ અમદાવાદના ચીફ વોર્ડસ કમાન્ડર બાબુભાઈ ઝડફીયા, નિવૃત્ત આઈએએસ અધિકારી પી.બી. પટ્ટણી તેમજ સામાજીક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ વસ્ત્ર મંત્રાલય દ્વારા ચાલતી વિભિન્ન કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાની સાથે ભારત સરકારની મહિલાઓ સાથે જોડાયેલ જુદી-જુદી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. હસ્તકલા એ આપણી સંસ્કૃતિ વારસો છે તેનું જતન અને જાળવણી એ આપણા સૌની જવાબદારી છે તેમ જણાવવા સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે હસ્તલક કારીગરીના જીવનધોરણમાં સુધારો આવશે તેવી વાત કરી હતી.
બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે વસ્ત્ર મંત્રાલય દ્વારા થતી કામગીરીને બિરદાવતા હસ્તકલા કારીગરીને જાગૃત થઈ સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સાથે જ હસ્તકલા સાથે સંકળાયેલા વર્કરો અને શિલ્પીઓને સમાજમાં સન્માન સાથે તેમની કલાની કદર પણ થશે અને તેમના કામનું તેમને સારૂ વળતર પણ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન હસ્તકલા કારીગરીને વસ્ત્ર મંત્રાલય દ્વારા પહેચાન કાર્ડનું વિતરણ કરાયું હતું સાથે હસ્તકલા વ્યવસાયમાં સહાયતા માટેના મુદ્દા યોજનાના ૬૦૦ ફોર્મને પંજાબ બેંક દ્વારા સ્વિકૃતિ આપવામાં આવી હતી અને આ ફોર્મસ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કમિશ્નરને ધારાસભ્યના હસ્તે સુપ્રત કરાયા હતા. હસ્તકલા કારીગરોને ટુલકીટનું પણ વિતરણ કરાયું હતું સાથે જ આ કાર્યક્રમને અનુલક્ષીને વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરાયું. જેના વિજેતા મહિલાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત હસ્તકલા કર્મ મહિલાઓએ વસ્ત્ર મંત્રાલયની કામગીરી અને સરકારની પ્રોત્સાહક યોજનાઓ જાણી નેતા પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો.