૪૮ હજાર વીજ કર્મીઓને ચૂકવાશે ૭માં પગારપંચનો લાભ

1286

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે,  રાજ્યના કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. સાતમા પગાર પંચના લાભો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને તા.૧-૮-૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલ છે પરંતુ તા.૧-૧-૨૦૧૬થી તા.૩૧-૭-૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે.

જેનો લાભ ૪૮,૦૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓને ૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્‌અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮ બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

રાજ્ય સરકારે કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોના ધરાવતા ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મળી રહે તેમજ ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી માફી યોજનામાં ફેરફાર કરી મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વીજ ગ્રાહકોના વિશાળ હિતને ધ્યાને લઈને સંવેદનશીલ નિર્ણયના ભાગરૂપે ઊર્જા વિભાગ દ્વારા માફી યોજના-૨૦૧૭ જાહેર કરી હતી. જાહેર સંસ્થા ઉપરાંત ખેડૂતલક્ષી હિતને ધ્યાને લઈ આ યોજનામાં ફેરફાર કરી મુદત પણ વધારવામાં આવી છે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આ યોજના સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય છ કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા ગ્રાહકો માટેના ઉર્જા વિભાગ દ્વારા માફી યોજના  ૨૦૧૭ જાહેર કરી હતી. રાજ્ય સરકારે આ યોજનામાં ફેરફાર કરી, તા.૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે  વીજ જોડાણો બંધ થયેલ હોય તેવા જોડાણોને પણ માફી યોજનાનો લાભ આપવાનો તથા માફી યોજનાની મુદત વધારવાનો નિર્ણય લીધો છે.  મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો માટે સ્કારય યોજના અમલમાં મૂકવામાં આવી છે. સ્કાય યોજનાનો લાભ કાયમી ધોરણે જેમના વીજ જોડાણો બંધ થયેલ છે તેવા ખેડૂતો પણ લઇ શકે તે માટે પણ ૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ઉપરાંત જાહેર હેતુ માટે વીજ જોડાણનો ઉપયોગ થતો હોય તેવા સ્ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટીંગ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ હેઠળના ટ્રસ્ટન અને જાહેર સંસ્થાથઓના વીજ જોડાણોને પણ યોજનામાં સમાવિષ્ટટ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સ્ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ પ્રમાણે બિલ ભરતા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે અને આ પ્રકારના ગ્રાહકો બીલની મૂળ રકમ ભરપાઇ કરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. આ યોજના હેઠળ અગાઉની તા. ૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાાને  તા. ૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ મળશે અને યોજનાની મુદ્દત તા. ૨૪-૭-૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે તેને તા.૩૦-૯-૨૦૧૮ સુધી વધારવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. ૩૧-૫-૨૦૧૮ સુધીના તમામ કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત ૬૪.૫૨ કરોડની રકમ માફ કરવાની થશે. જયારે સ્ટ્રીટ લાઇટ અને જાહેર હેતુ માટેના જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત ૨.૨૫ કરોડની રકમ માફ કરવાની થશે.

Previous articleમધ્ય ગુજરાતમાં ભારે વરસાદ : ડભોઈમાં ત્રણ ઇંચ
Next articleગુજરાતી ફિલ્મના નિર્દેશકે આત્મહત્યા કરતા ચકચાર