૩ર૦ પ્રકૃતિ પ્રેમીઓએ માણ્યુ પ્રકૃતિનું સાનિધ્ય

2048

શહેરની જાણીતી સંસ્થા યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા એક દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ ગાળા ખાતે યોજાયેલ ટ્રેકિંગ પ્રોગ્રામમાં ૩ર૦ વ્યક્તિઓ જોડાયા હતા.

દર વર્ષે ચોમાસા દરમિયાન ભાવનગર જિલ્લાના અલગ-અલગ જગ્યાઓમાં આવેલ કુદરતી સાનિધ્યોમાં યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. નવયુવાનોમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા આવે તથા તેમનામાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને સાહસિક વૃત્તિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આવા સાહસિક ટ્રેકિંગ પ્રોગ્રામ યોજવામાં આવે છે. તાજેતરમાં રવિવારે સાણોદરના મહાદેવગાળાથી ભંડારિયાના ડુંગરમાળમાં વસેલ ધાવડી માતા (મેલકડી ગામ) સુધીનો ૯ કિલોમીટરનો ટ્રેકિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ, વડીલો મળી કુલ ૩ર૦ સાહસવિરોએ પ્રકૃતિની અદ્દભૂત રચનાની સફર માણી હતી. લીલાછમ ડુંગરો વચ્ચે અનેક ઝરણાઓ દુર્લભ જીવ સૃષ્ટિને નિહાળવા ટ્રેકર્સો ધાવડી માતાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. જ્યાં બપોરનું સમુહ ભોજન લીધા બાદ કેમ્પ ફાયરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક વ્યક્તિઓએ પોતાની મૌલિક રજૂઆતો શેર કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા યુથ હોસ્ટેલના અમરશીભાઈ ધરાજીયા, રમેશભાઈ અંધારીયા, લક્ષ્મણભાઈ ઉલ્વા (રબારી), અરવિંદભાઈ જોશી સહિતની ટીમ જોડાઈ હતી. આ ટ્રેકમાં પ્રથમ વખત આવેલ ભાવેણાવાસીઓ ગોહિલવાડ પંથકમાં આવેલ આવા રમણીય સ્થાનોને નિહાળી અભિભૂત થયા હતા.

Previous articleપોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર પાંચ શખ્સો ઝડપાયા
Next articleપ્રખરતા શોધ કસોટીમાં રાજયના ટોપ ૧૦માં મહુવાની બેલુર સ્કુલ