શહેરના ઘોઘારોડ અકવાડા ગામ નજીક મોડી સાંજે દાદા સાથે એકટીવા સ્કુટર જઈ રહેલ બે પૌત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બન્ને પૌત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. ત્યારે દાદાને સામાન્ય ઈજા થવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરથી ઘોઘા એકટીવા સ્કુટર નં.જીજે૪ બીએમ ૭૭૪ર પર જતા મહમદભાઈ હનીફભાઈ રે.ઘોઘા તથા તેની સાથે તેમની પૌત્રી જામ્યા ફારૂકભાઈ ઉ.૪ અને ફરીન ફારૂક ઉ.આ.૯ ને અકવાડા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ધડાકા ભેર અકસ્માત સર્જતા ત્રણેયને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં જામ્યા અને ફરીનના ઘટનાસ્થળે કરૂણમોત નિપજવા પામ્યા હતા. જ્યારે સ્કુટર ચાલક દાદા મહમદભાઈને સામાન્ય ઈજા થવા પામી હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને ૧૦૮ સેવા દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા.