રાજુલાની સિન્ટેક્ષ કંપની સામે કર્મીઓના હલ્લાબોલ

1578
guj9102017-4.jpg

રાજુલાની સિન્ટેક્ષ કોટન કંપનીમાં કામ કરતી પૂજા નામની યુવતીનું અકસ્માતે મશીનમાં આવી જતા મોત થયા બાદ કંપની દ્વારા ૧ લાખની સહાયની જાહેરાત કરેલ પરંતુ કંપનીમાં કામ કરતી ૩ હજાર ઉપરાંત યુવતીઓ અને રાજકિય આગેવાનો દ્વારા મૃતક યુવતીના પરિવારને ૩૦ લાખની સહાયની માંગણી સાથે આજથી કંપની સામે આંદોલનના મંડાણ કર્યા છે અને કંપનીના ગેઈટ સામે હલ્લાબોલ કર્યા હતા.
રાજુલાની સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતી નાગેશ્રીની યુવતી પૂજાનું બે દિવસ પૂર્વે અકસ્માતે મશીનમાં આવી જતા મોત થયું હતું. જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, કંપની દ્વારા મૃતક યુવતીના પરિવારને એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ કર્મચારી બહેનોએ કંપનીમાં સલામતી અને મૃતક યુવતીના પરિવારને ૩૦ લાખની સહાયની માંગ કરી હતી. હરપાલભાઈ વરૂના માર્ગદર્શન હેઠળ કંપનીમાં કામ કરતી ૩ હજાર ઉપરાંત યુવતીઓ સહિત કર્મચારીઓએ કંપનીના ગેટ સામે આંદોલનના મંડાણ કર્યા હતા અને હલ્લાબોલ કર્યા હતા અને મૃતક યુવતીના પરિવારના ૩૦ લાખના વળતરની માંગણી કરી હતી. યુવતીઓએ કંપનીના અધિકારીઓ પર ભારે રોષ ઠાલવ્યો હતો. જો કે, પોલીસે ઘટનાસ્થળે આવી લાઠીચાર્જ કરતા બે યુવતીઓએ ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ હતી છતાં કર્મચારીઓ દ્વારા જયાં સુધી વળતર નહીં ચુકવાય અને સલામતી નહીં અપાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાનો નિર્ણય લેવાયો હતો. 
યુવતીઓ દ્વારા શરૂ કરાયેલ આંદોલન દરમિયાન કંપનીના વડા અર્પિતસિંહને લુણસાપુરના આગેવાન શિવરાજભાઈ કોટીલા, રવિભાઈ કોટીલા સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી અને જવાબદારને સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી.

Previous article રોડના કામમાં ભ્રષ્ટાચારથી લોકોમાં રોષ
Next article હાટકેશ્વર મંદિરમાં મોદીએ  પૂજા-અર્ચના કરી