નવી આકારણીથી મિલકતવેરાની આવકમાં ૧૦ કરોડનો વધારો થવાની શકયતા

1953

મહાપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલકતનો નવેસરથી સરવે શરૂ કરવામાં આવ્યો છે. બજેટ બેઠક બાદની સામાન્ય સભામાં મહાપાલિકા વિસ્તારમાં ક્ષેત્રફળ આધારિત કર વસૂલાતની પદ્ધતિ અમલી બનાવવા લેવામાં આવેલા નિર્ણય બાદ ૫૫ હજાર જેટલી મિલકતની નવેસરથી આકારણી શરૂ કરવામાં આવી છે.

નવી આકારણી બાદ મનપાની મિલકતવેરાની આવકમાં રૂપિયા ૧૦ કરોડ જેવો જંગી વધારો થશે. કેમ કે ક્ષેત્રફળ આધારિત આકારણી લાગુ કરવાની સાથે મિલકતવેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં ૧૦૦ મીટરના ક્ષેત્રફળના આવાસના કરના દર યથાવત રખાયા હતા પરંતુ તેનાથી વધુ ક્ષેત્રફળના રહેણાંક બાંધકામના દર વધારવામાં આવ્યા હતાં. પરિણામે નવી આકારણી લાગુ પડવાની સાથે કરની આવક વધવાની છે.

ટેક્સ બ્રાન્ચને ૨૦૧૮-૧૯ માટે મિલકતવેરાની આવક માટે ૩૦ કરોડનો લક્ષાંક આપવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં કરવેરા પેટે ૨૦ કરોડ આવક થઇ ચૂકી છે. મનપા દ્વારા કરવેરાની આગોતરી ચૂકવણી કરતા મિલકતધારકોને બિલની રકમ પર ૧૦ ટકા વળતરની યોજના મુકવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇન કર ચૂકવણી કરનારાને વધારાનું ૨ ટકા વળતર અપાય છે. ત્યારે રહેણાંક હેતુના મિલકતધારકો ે આ યોજનાઓનો લાભ લેતા હોવાથી વળતરની યોજના ચાલવા દરમિયાન જ કરની આવક થતી હોય છે.

મહાપાલિકા વિસ્તારમાં મહિનાની શરૂઆતથી ફેર આકારણી કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહેલા સરવે દરમિયાન અત્યાર સુધીમાં ૫ હજાર જેટલી મિલકતોનો સરવે પૂર્ણ કરાયો છે.

ક્ષેત્રફળ આધારિત આકારણી કરવા માટે કંપનીના માણસોએ ઘરમાં જઇને દરેક રૂમના માપ લેવાના થતા હોય છે. પરંતુ કેટલાક મકાન માલિકો તેનો વિરોધ કરતા હોય છે. ત્યારે કંપનીના આઇકાર્ડ સાથે આવતા આકારણીદારોને સહકાર આપવા અપિલ કરાઇ છે.

Previous articleપોલીસે PCR નાઇટ પેટ્રોલિંગ અસરકારક બનાવવા માટે બારકોડ સ્કેનર લગાવ્યા
Next articleમિશન વિધા કાર્યક્રમનો મંત્રી ગણપતભાઇ વાસાવાની ઉપસ્થિતિમાં સરગાસણથી આરંભ