મહાત્મા મંદિર ખાતે ચેર સંરક્ષણ વિષયક બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ

1505

ત્સુનામી, દરિયાઇ ખારાશ, લહેરો તેમજ સમુદ્રને આગળ વધતો અટકાવવા માટે ચેર-મેન્ગ્રુવના વૃક્ષો-જંગલો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. વર્ષ-૨૦૧૭માં સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ બાદ સૌથી વધુ ૧૧૪૦ ચો.કિ.મી. મેન્ગ્રુવના જંગલો સાથે ગુજરાત બીજો ક્રમ ધરાવે છે, તેમ મહાત્મા મંદિર ખાતે ‘ચેર સંરક્ષણ – વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્ય માટેનો દ્રષ્ટિકોણ’ વિષયક બે દિવસીય કાર્યશાળાનો શુભારંભ કરાવતા વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ તા. ૨૬ જુલાઇની ઉજવણી પ્રસંગે વન મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં વર્ષ-૨૦૦૪માં દક્ષિણ ભારતમાં આવેલા ત્સુનામી બાદ સમગ્ર દેશને ચેરના વૃક્ષોનું મહત્વ-ભૂમિકા સમજાઇ. દરિયાઇ જીવો મેન્ગ્રુવના વૃક્ષોનો પરિષર તંત્ર-આવાસ તરીકે ઉપયોગ કરે છે. મેન્ગ્રુવના વૃક્ષો સ્થાનિક સ્તરે રોજગારી આપવામાં પણ મદદરૂપ થાય છે. દેશમાં મુખ્ય ત્રણ અખાત પૈકી કચ્છ અને ખંભાતનો અખાત ગુજરાત પાસે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે મેન્ગ્રુવ-ચેરના વૃક્ષોનું વિશેષ સંરક્ષણ-જતન કર્યું છે જેના પરિણામે તેમાં સતત વધારો થયો છે. આ સિવાય ગુજરાતમાં વન અને જળચર જીવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં હાલમાં સિંહોની વસ્તી અંદાજે ૫૫૦ જેટલી છે. ગુજરાતના દરિયા કિનારે દેશ-વિદેશમાંથી શાર્ક માછલી પ્રજનન માટે આવે છે. કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુના પ્રયત્નોથી શાર્ક માછલીને આપણી દીકરીનું બિરૂદ આપીને તેના જતન અંગે માછીમારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોના પરિણામે આપણે અત્યાર સુધીમાં ૭૫૦ જેટલી શાર્કને બચાવી શક્યા છીએ, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ વોર્મિગની અસર અટકાવવાના હેતુથી દેશમાં પ્રથમવાર ગુજરાતમાં કલાયમેન્ટ ચેન્જનો વિભાગ શરૂ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં દર વર્ષે જુલાઇમાં ઉજવાતા વન મહોત્સવમાં સમગ્ર રાજ્યમાં કરોડો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે કચ્છના રૂદ્રમાતા ડેમ ખાતે મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના ૬૯માં વન મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ‘રક્ષક’ સાંસ્કૃતિક વન ખુલ્લું મુકવામાં આવશે. રાજ્યમાં વર્ષ ૨૦૦૪માં વન બહારના વૃક્ષોની સંખ્યા અંદાજે ૨૩ કરોડ હતી જ્યારે વર્ષ ૨૦૧૭ની સ્થિતિએ વન બહારના વૃક્ષોની સંખ્યા અંદાજે ૩૪ કરોડ જેટલી છે. રાજ્ય સરકારે પક્ષીઓ પ્રત્યે કરૂણા દર્શાવીને ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસો દરમિયાન કરૂણા અભિયાન ચલાવ્યું હતું, જેમાં તમામના પ્રયાસોથી પતંગની દોરીથી ઘાયલ થયેલા ૧૦,પ૭૧ જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા.

વિશ્વ ચેર દિવસ નિમિત્તે ચેરના વૃક્ષો માટે વધુમાં ચર્ચા-સંશોધન થાય, લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચેરના વૃક્ષો-વિસ્તારમાં ખૂબજ વધારો થાય તેવી શુભેચ્છા મંત્રીએ પાઠવી હતી.

ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ ડૉ. એ.કે. સકસેનાએ કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ભારત ૩.૩ ટકા મેન્ગ્રુવના જંગલો ધરાવે છે જેમાં ગુજરાત સમગ્ર દેશમાં મેન્ગ્રુવના વિસ્તારમાં બીજા ક્રમે છે. ચેરના વૃક્ષોમાં સામાન્ય વૃક્ષ કરતાં કાર્બન સ્ટોરેજ વેલ્યુ ૧૦ ટકા વધુ હોય છે, એટલે પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ ર્વોમિંગને આગળ વધતાં અટકાવવામાં ચેરના વૃક્ષો ખૂબજ મહત્વનું પ્રદાન આપે છે. સેટેલાઇટ ઇમેજ મુજબ ગુજરાતમાં ગત ૧૫ વર્ષમાં ચેરના વૃક્ષોમાં સતત વધારો થયો છે .

ચેર સંરક્ષણ વિષય ઉપર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના સલાહકાર ડૉ. બી.બી.બર્મન તેમજ ૈેંંઝ્રદ્ગ  ઇન્ડિયન નેશનલ પોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. એન.એમ.ઇશ્વરે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર આર.ડી.ખંભોજે સ્વાગત પ્રવચન તેમજ ગુજરાત ઇકોલોજી કમિશન ના ડાયરેક્ટર ડૉ. રામરતન નાલાએ આભારવિધિ કરી હતી.

કાર્યશાળાના પ્રારંભે મહાનુભાવોના હસ્તે ગ્રીન સ્કીલ ડેવલપમેન્ટ પોગ્રામ, રાજ્યમાં ચેરના જંગલો અને ગુજરાતના વેટલેન્ડ ઉપરની દસ્તાવેજી ફિલ્મોનું લોન્ચિંગ તેમજ ગુજરાત એન્વાયર્મેન્ટ રિપોર્ટ -૨૦૧૭, એન્વાયર્મેન્ટ લોઝ, ‘ચેરની દુનિયામાં એક નજર’ ‘ગુજરાતના મહત્વના જલપ્લાવિત વિસ્તારો અને ‘ચેરના વનો’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Previous articleમિશન વિધા કાર્યક્રમનો મંત્રી ગણપતભાઇ વાસાવાની ઉપસ્થિતિમાં સરગાસણથી આરંભ
Next articleગુરૂ મંગલમ્‌ ગુરૂનામ મંગલમ્‌ (ગુરૂ પૂર્ણિમાએ ગુરૂવંદના)