બાળમજુરી નાબુદી માટે રોજગાર વિભાગ પ્રયત્નશીલ – શ્રમ અધિકારી

1349

શ્રમ અને રોજગાર વિભાગ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ભાવનગર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે બાળ અને તરૂણ શ્રમ નાબુદી અને અન્ય શ્રમ કાયદાઓના સુધારણા ઉપર એક માર્ગદર્શક સેમીનારનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરવામાં આવેલ.

કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ સુનિલભાઈ વડોદરીયાએ શાબ્દીક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે વેપારીઓ અને ઉદ્યોગકારોએ સરકારના વખતો-વખતના તમામ કાયદાઓથી વાકેફ રહેવું જોઈએ જેથી ક્યારેય કોઈ કાયદાકિય ગુચ ઉભી ન થાય. ચેમ્બર દ્વારા આ અંગે વારંવાર વિવિધ વિભાગોના સહયોગથી આ પ્રકારના સેમીનારોનું આયોજન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજરોજ આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

મદદનીશ શ્રમ આયુક્ત ડી.એ. ચૌહાણે ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ સાથે ગ્રેચ્યુઈટી વીશે સમજણ આપતા જણાવેલ કે સરકારના એક પોર્ટલ ઉપર દરેક રીટર્ન ભરી શકાય છે. સરકારે વિવિધ વિભાગો માટે એક જ પોર્ટલ રાખેલ છે અને એક જ લોગ ઈન રાખવો પડે છે.

શ્રમ અધિકારી એમ.કે. મેવલીયાએ બાળમજુરી વિશે સમજણ આપતા જણાવેલ કે હાલના કાયદા મુજબ ૧૮ વર્ષથી નીચેનાને બાળ મજુર ગણવામાં આવે છે અને તે બિન જામીનપાત્ર ગુનો ગણી એફઆઈઆર કરવામાં આવે છે. આ ગુના માટે દંડ અને સજા એમ બન્નેની જોગવાઈ છે, તેથી આ બાબતમાં લોકો જાગૃત બને તે માટે શ્રમ અને રોજગાર વિભાગ સતત પ્રયત્નો કરી રહેલ છે.

શ્રમ અધિકારી પી.જે. ચાવડાએ મીનીમન વેઈઝ એક્ટ વિશે સમજણ આપતા જણાવેલ કે, ૧૯૪૮થી મીનીમમ વેઈઝ એક્ટ અમલમાં આવેલ છે અને ૧ કે તેથી વધારે લોકો કામ કરતા હોય તેને આ કાયદો લાગુ પડે છે. શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગ માટે અલગ-અલગ દર અને કામદારો માટે કુશળ, અર્ધ કુશળ અને બિનકુશળ એક ત્રણ ભાગ પાડવામાં આવેલ છે.

અલંગના શ્રમ અધિકારી ડી.એસ. બલીયાએ બોનસ એક્ટ ૧૯૬પના સંદર્ભમાં જણાવેલ કે ઉત્પાદન કરતા એકમોને તે લાગુ પડે છે. ગુજરાત સરકારના નિયમો અનુસાર ૧૦ કે તેથી વધારે કામદારો કામ કરતા હોય તેને બોનસ એક્ટ લાગુ પડે છે. મીનીમમ ૮.૩૩ અને વધારેમાં વધારે ર૦ ટકા બોનસ આપી શકાય છે. ખોટ કરતા એકમોએ પણ બોનસ આપવું ફરજીયાત છે. કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરના માનદ મંત્રી કિરીટભાઈ સોનીએ તથા આભાર વિવિધ ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ દિલીપભાઈ કામાણીએ કરેલ.

Previous articleશૈક્ષણિક ક્ષેત્રે ભંડારિયા બ્રહ્મસમાજનું ગૌરવ સ્પર્શ શુકલ
Next articleએક વર્ગ એક વૃક્ષની યોજના માટે ગ્રીનસીટી દ્વારા ૭૭૭ વૃક્ષોનું વિતરણ